તાજેતરમાં ઈટાલીમાં G7 સમિટનું આયોજન ચાલી રહ્યું છે. તેમાં વડાપ્રધાન મોદી પણ હાજરી આપવા પહોંચ્યા હતા. દરમિયાન તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ વર્લ્ડ લીડર્સ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી હતી.
પીએમ મોદી અને મેક્રોન વચ્ચે શું વાતચીત થઈ?
પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની મુલાકાત અંગે ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે સ્થિર અને સમુદ્ધ વૈશ્વિક વ્યવસ્થા માટે ભારત તથા ફ્રાન્સ વચ્ચે મજબૂત અને વિશ્વસનીય વ્યૂહાત્મક ભાગીદારી મહત્ત્વપૂર્ણ છે. વાતચીત દરમિયાન બંને નેતાઓએ મેક ઈન ઈન્ડિયા પર વધુ ધ્યાન આપવાની સાથે જ વ્યૂહાત્મક સંરક્ષણ સહયોગ વધારવા સંમતિ વ્યક્ત કરી હતી.
કયા કયા ક્ષેત્રો વિશે ચર્ચા કરી?
પીએમ મોદીએ ઈમેનુએલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓએ ભારત-ફ્રાન્સના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી જેમાં ડિફેન્સ, ન્યૂક્લિયર, સ્પેસ, એજ્યુકેશન, ક્લાઈમેટ એક્શન, ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી તથા કલ્ચરલ ઈનીશિએટિવ જેવા નેશનલ મ્યુઝિયમ પાર્ટનરશિપ અને લોકો વચ્ચે સંબંધોને વધારવામાં સહયોગ કરવા વિશે ચર્ચા કરી હતી.
ઝેલેન્સ્કી અને ઋષિ સુનકને પણ મળ્યાં
ઈટાલીમાં પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે પણ મુલાકાત કરી હતી. દરમિયાન બંને નેતાઓ વચ્ચે ભારત અને યુક્રેન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અંગે વાતચીત થઈ હતી. આ ઉપરાંત પીએમ મોદીએ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે બેઠક કરી અને તેમની સાથે ડિફેન્સ ક્ષેત્રમાં ઔદ્યોગિક સહયોગ વધારવા, વેપાર તથા વાણિજ્યને પ્રોત્સાહ આપવા અંગે ચર્ચા કરી હતી.