ભારતીય ચીજવસ્તુઓ હવે વિશ્વભરમાં બ્રાન્ડ તરીકે સ્થાપિત થઈ રહી છે. મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સની માગ અમેરિકા સહિત અન્ય વિકસિત દેશોમાં ઝડપથી વધી રહી છે. છેલ્લા 10 વર્ષમાં ભારતની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો 19 ટકાથી વધીને 23 ટકા થયો છે.
ભારતની કુલ નિકાસમાં યુરોપનો હિસ્સો 18 ટકાથી વધીને 23 ટકા થયો છે. કુલ નિકાસમાં વિકસિત દેશોના હિસ્સામાં થયેલો આ વધારો પુરાવો આપી રહ્યો છે કે, ભારતમાં બનેલી વિવિધ ચીજવસ્તુઓ હવે અન્ય દેશોમાં પણ તેની ગુણવત્તા સાબિત કરી રહી છે. પશ્ચિમી દેશોમાં નિકાસ હિસ્સામાં વધારો નોંધાતા છેલ્લા 10 વર્ષમાં ભારતીય નિકાસમાં એશિયન દેશોનો હિસ્સો ઘટ્યો છે. જેની પાછળનું કારણ એશિયન દેશઓ દ્વારા ભારતીય માલસામાનની ખરીદીમાં ઘટાડો નથી, પરંતુ અન્ય દેશોમાં વધતી માગની અસર છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક મશીનરી, સાધનસામગ્રી, દવાના ફોર્મ્યુલેશન અને બાયોલોજિકલ પ્રોડક્ટ્સની નિકાસમાં અમેરિકાનો હિસ્સો ઝડપથી વધ્યો છે. 2023-24માં, ભારતે $15.57 અબજના સ્માર્ટફોનની નિકાસ કરી હતી. જેમાં અમેરિકાનો હિસ્સો 35.8 ટકા હતો 2022-23માં, ભારતે $11 અબજના સ્માર્ટફોનની નિકાસ કરી હતી, જેમાં અમેરિકાનો હિસ્સો માત્ર 19.7 ટકા હતો. મેક ઈન ઈન્ડિયાની અસરથી ભારતમાં ઉત્પાદન ક્ષમતા વધી છે અને હવે અહીં ગુણવત્તાયુક્ત ઉત્પાદનોનું ઉત્પાદન થઈ રહ્યું છે જે સમગ્ર વિશ્વમાં ભારતમાં બનતા ઉત્પાદનોની પ્રતિષ્ઠા અને માગમાં વધારો કરી રહ્યા છે.
ઇલેક્ટ્રિક મશીનરી-ઇક્વિપમેન્ટની નિકાસ વધી
પીએલઆઈ (PLI) સ્કીમની રજૂઆત બાદથી એપલ સહિત અન્ય સ્માર્ટફોન ઉત્પાદકોએ ભારતમાં નિકાસ કેન્દ્રિત ઉત્પાદનો શરૂ કર્યા છે, તેમાં વધારો કર્યો છે. જેના કારણે આ સેગમેન્ટમાં ભારતની નિકાસ ઝડપથી વધી છે. ઇલેક્ટ્રિક મશીનરી અને સાધનોની નિકાસમાં અમેરિકાનો હિસ્સો 2015માં 12.9 ટકા હતો, જે 2023-24માં વધીને 19.3 ટકા થયો છે. 2023-24માં, ભારતે $12.37 અબજની કિંમતની ઇલેક્ટ્રિક મશીનરી અને સાધનોની નિકાસ કરી હતી.
ડ્રગ ફોર્મ્યુલેશન-બાયોલોજિકલ નિકાસમાં વધારો
જેનરિક દવાઓની સાથે અમેરિકા દવાના ફોર્મ્યુલેશન અને બાયોલોજિકલ નિકાસ માટે પણ એક મોટું બજાર બની રહ્યું છે. 2023-24માં ભારતની દવાના ફોર્મ્યુલેશન અને બાયોલોજિકલ નિકાસ 21.71 અબજ ડોલરની હતી અને તેમાં યુએસ માર્કેટનો હિસ્સો 37 ટકા હતો અને 2022-23માં આ હિસ્સો 34 ટકા હતો. ભારતની ગુડ્સ નિકાસ 2014-15માં $320 અબજની તુલનાએ 2023-24માં વધીને $438 અબજ થઈ છે. અમેરિકાની સાથે નેધરલેન્ડ, બ્રિટન, ઈટલી, ફ્રાન્સ, યુએઈ જેવા વિકસિત દેશોમાં પણ મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સની માગ વધી છે.