UGC NET પેપર લીક કેસની તપાસ કરવા બિહારના નવાદા ખાતે આવેલી CBI ટીમ પર ગ્રામજનોએ હુમલો કર્યો હતો. ગામલોકોએ CBIની ટીમને નકલી ટીમ ગણી અને તેમાં સામેલ અધિકારીઓને માર માર્યો હતો. જ્યારે તેઓને ખાતરી થઈ ગઈ કે આ જ CBIની અસલી ટીમ છે, ત્યારે તેઓને છોડી દેવામાં આવ્યા. આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
શિક્ષણ મંત્રાલય દ્વારા UGC નેટની પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ કેસની તપાસ CBIને સોંપવામાં આવી છે. આ કેસની તપાસ કરી રહેલી ટીમ શનિવારે રાત્રે મોબાઈલ લોકેશનના આધારે બિહારના નવાદા ગામમાં પહોંચી હતી. અહીં ટીમ લોકોની પૂછપરછ કરી રહી હતી ત્યારે ગામલોકોએ તેમને નકલી CBI ટીમ માની લીધી અને અધિકારીઓ પર હુમલો કર્યો. વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. અધિકારીઓએ પોતાનો પરિચય આપતાં ગ્રામજનોએ તેમને મુક્ત કર્યા હતા.
પોલીસે હુમલા અંગે ગુનો નોંધ્યો
નવાદા પોલીસે કહ્યું છે કે CBIની ટીમે બે મોબાઈલ ફોન કબજે કર્યા છે અને પોતાની સાથે લઈ ગયા છે. પોલીસ સ્ટેશનના હેડ કમ ઈન્સ્પેક્ટર રાજેશ કુમારે જણાવ્યું કે CBI અને પોલીસ ટીમ પર હુમલા અંગે એફઆઈઆર નોંધવામાં આવી છે જેમાં એક યુવતી સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.