બાબા રામદેવની પતંજલિ આર્યુવેદ સામે એક પછી એક કાનૂની અડચણો આવી રહી છે. હવે કપૂરની પ્રોડક્ટ સંબંધિત એક કેસમાં બોમ્બે હાઈકોર્ટે 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આદેશનું ઉલ્લંઘન કરવા બદલ આ એક્શન લીધી હતી. ખરેખર હાઇકોર્ટમાં પતંજલિ આયુર્વેદ સામે ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો કેસ દાખલ થયો હતો. આ કેસ પણ કપૂર પ્રોડક્ટ્સ સાથે સંકળાયેલો હતો.
કપૂરની પ્રોડક્ટ્ વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો
30 ઓગસ્ટ 2023ના રોજ કોર્ટે પતંજલિ સામે કપૂરની પ્રોડક્ટ વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. વચગાળાની અરજી દ્વારા કોર્ટને જાણકારી મળી કે પતંજલિએ આદેશનું ઉલ્લંઘન કર્યું છે. તાજેતરના કેસમાં સુનાવણી જસ્ટિસ આર.આઈ છાગલાએ કરી હતી. તેમણે નોંધ લીધી કે પતંજલિએ જાતે જ ઓગસ્ટમાં આદેશ જારી થયા બાદ કપૂરની પ્રોડક્ટ્સનો સપ્લાય કર્યો હતો.
સોગંદનામામાં આદેશનું ઉલ્લંઘન કર્યાની વાત સ્વીકારી
કોર્ટે આદેશમાં કહ્યું કે પક્ષકાર નંબર 1 તરફથી 30 ઓગસ્ટ 2023ના રોજ પ્રતિબંધના આદેશનું વારંવાર ઉલ્લંઘન કોર્ટ સહન નહીં કરે. કોર્ટે પતંજલિ આયુર્વેદને આદેશ જારી થવાના એક સપ્તાહમાં 50 લાખ રૂપિયા જમા કરાવવા કહ્યા છે. કોર્ટના આદેશ બાદ પતંજલિએ સોગંદનામુ દાખલ કર્યું હતું. જેમાં બિનશરતી માફી માગી હતી અને કોર્ટના આદેશનું પાલન કરવા કહ્યું હતું.