સુપ્રીમ કોર્ટમાંથી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારને મળેલા મળેલા અધિકાર બાદ એક્શનમાં જોવા મળી રહી છે. પહેલા સેવા સચિવ આશિષ મોરેને હટાવવા માટે ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો અને હવે દિલ્હીના મુખ્ય સચિવને હટાવવા માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ મારફતે કેન્દ્ર પાસેથી સંમતિ માંગી છે. દિલ્હી સરકાર નરેશ કુમારના સ્થાને પીકે ગુપ્તાને મુખ્ય સચિવ બનાવવા માંગે છે. જેના માટે દિલ્હી સરકારે કેન્દ્રને પ્રસ્તાવ મોકલ્યો છે. પીકે ગુપ્તા 1989 બેચના IAS અધિકારી છે અને હાલમાં ACS છે.
દિલ્હી સરકારે ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને સર્વિસ સેક્રેટરી આશિષ મોરેને હટાવીને એકે સિંહને હોદ્દો આપવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો.
આ નિર્ણય સિવિલ સર્વિસ બોર્ડની બેઠક બાદ લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં અધિકારીઓએ સર્વિસ સેક્રેટરીને હટાવવા અંગે કોઈ અસંમતિ વ્યક્ત કરી ન હતી. આ બાદ દિલ્હી સરકારે એકે સિંહને નવા સેવા સચિવ બનાવવા માટે ઉપરાજ્યપાલને પ્રસ્તાવ મોકલ્યો હતો.
આ પ્રસ્તાવમાં સરકારે સુપ્રીમ કોર્ટને ટાંકીને કહ્યું કે ઉપરાજ્યપાલ ચૂંટાયેલી સરકારની સલાહને અનુસરવા માટે બંધાયેલા છે. દિલ્હી સરકારે સેવા સચિવને હટાવવા માટે ઘણી વખત પ્રયાસો કર્યા છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સેવા વિભાગના મંત્રી સૌરભ ભારદ્વાજે વર્તમાન સેવા સચિવને હટાવવાનો આદેશ આપ્યો હતો પરંતુ તેમને પદ પરથી હટાવવામાં આવ્યા ન હતા.