આજે અનિયમિત વરસાદ અને મોંઘાદાટ રાસાયણિક ખાતરોને કારણે આપણને ઘણી જગ્યાએ ખેડુતો બોલતા જોવા મળે છે હવે ખેતીમાં પહેલા જેવી મજા નથી રહી. ત્યારે ખેતી જગતમાં પ્રાકૃતિક ખેતી એક મજબુત વૈકલ્પિક વ્યવસ્થા તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે. ખાસ કરીને નાની જમીન ધરાવતા ખેડુતો માટે પ્રાકૃતિક ખેતી નિચ્છિત આવક ઉપાર્જનનો વિશ્વનીય સ્ત્રોત બન્યો છે.
આજે વાત કરીએ નડિયાદ તાલુકાના હાથનોલી ગામના વિજયભાઈ સનાભાઇ વાઘેલાની જેઓએ આ વર્ષે તેમની એક વીઘા જમીનમાં કારેલી અને એક વીઘામાં ગુવારનું પ્રાકૃતિક ખેતીથી વાવેતર કર્યું છે. 44 વર્ષીય વિજયભાઈ છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓએ ઘઉં, ડાંગર અને શાકભાજી સહિત વિવિધ પાકોનું વાવેતર કરી ખેતીમાં સારું એવું વળતર મેળવ્યુ છે.
શ્રી વિજયભાઈ જણાવે છે કે પહેલા તેમને રાસાયણિક ખેતીથી ઉત્પાદન સામે ખર્ચ ખૂબ જ વધી જતો હતો અને ખેતી દ્વારા પરીવારનુ ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની જતુ હતુ. પરંતુ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ આજે તેઓનો ખર્ચ ઘટ્યો છે અને તેઓ દર વર્ષે અંદાજિત રૂપિયા એક લાખ જેટલી આવક ખેતી દ્વારા મેળવી શકે છે. અમારી વાડીએથી આ શાકભાજી લઈ જતાં લોકો એવો પ્રતિભાવ આપે છે કે શાકભાજી સ્વાદમાં બહુ જ ઉત્તમ છે. આનો સ્વાદ દાઢે વળગે છે.
આ વર્ષે વિજયભાઈ તેમના એક વીઘા ખેતરમાં કારેલી અને એક વીઘામાં ગુવાર ઉગાડ્યો છે. કારેલીના વાવેતરમાં ચારથી પાંચ મહિનાની સિઝન સુધી કારેલા ઉગતા રહે છે જેનું સમયસર વેચાણ કરી આવક મેળવી શકાય છે. વિજયભાઈ વાઘેલા પોતે એક ફાર્મર માસ્ટર ટ્રેનર પણ છે જેમણે અત્યાર સુધી અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કર્યા છે. શ્રી વિજયભાઈ પાસે એક ગીર ગાય છે અને તેઓ જાતે જ પોતાના ખેતરમાં વર્મી કમ્પોસ્ટ ફીટ તૈયાર કર્યો છે જે સૂકા પાન ડાંગરનું પૂછું ઘઉનું કુવાર વગેરેથી બનાવેલ છે.
પ્રાકૃતિક ખેતીની સરળતાને લીધે વિજયભાઈના પરીવારના તમામ સભ્યો પ્રાકૃતિક ખેતીના કામમાં જોડાઈને પોતાનુ યોગદાન આપતા થયા છે તથા ખેતીમાં સ્થિર આવક મળતાં વિજયભાઈના પરિવારની આર્થિક સામાજિક સ્થિતિ સુદ્રઢ બની છે.