દેશમાં સૌપ્રથમ વખત તમિલનાડુના સુલુરમાં ભારતીય વાયુસેનાના એક્સરસાઈઝ તરંગ શક્તિના પહેલા તબક્કામાં 6 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી ફ્રાંસ, જર્મની, સ્પેન, યુકે સહિત 30 દેશોના વાયુસેનાના જહાજો થકી યુદ્ધાભ્યાસ કરવામાં આવશે. જેમાં ફાઇટર એરક્રાફ્ટ અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ભારતીય વાયુસેનાના યુદ્ધાભ્યાસમાં સૌપ્રથમ વખત અમેરિકા A-10 Warthog ભાગ લઈ રહ્યું છે. જ્યારે બીજો તબક્કો જોધપુર ખાતે 29 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધીમાં યોજાશે.
અમેરિકા, યૂકે, ફ્રાંસ સહિત 30 દેશોની વાયુસેના કરશે યુદ્ધાભ્યાસ
ભારતીય વાયુસેનાની પહેલી મલ્ટીનેશનલ એયર એક્સરસાઈઝ તરંગ શક્તિનું ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં આયોજન કરવામાં આવ્યું છે. આ સૌથી મોટા એયર એક્સરસાઈઝમાં અમેરિકા, યુકે, સ્પેન, જર્મની, ફ્રાંસ સહિત 10 દેશોના વાયુસેનાઓ અને 18 દેશ સુપરવાઇઝર તરીકે ભાગ લેશે. આ અંગે વાયુસેનાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આ યુદ્ધાભ્યાસમાં ભારત સહિત લગભગ 30 દેશો ભાગ લેશે અને ભારતીય વાયુસેના સાથે-સાથે અન્ય દેશોના આશરે 150 વિમાનો આમાં જોડાશે. જેમાં અમેરિકાના F-16 અને A-10 Warthog જેવા ફાઈટર જેટ્સ ભાગ લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાના યુદ્ધાભ્યાસ સૌપ્રથમ વખત અમેરિકા A-10 Warthog ભાગ લઈ રહ્યું છે.’
વાઇસ ચીફ એર માર્શલ એપી સિંહના જણાવ્યા અનુસાર, ‘તમિલનાડુના સુલુરમાં તરંગ શક્તિનો યોજાવા જઈ રહેલો પહેલો તબક્કો 6 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં ફ્રાંસ, જર્મની, સ્પેન અને યુકેની વાયુસેના વિમાનો ભાગ લેશે. જેમાં પ્રથમ તબક્કામાં ફાઇટર એરક્રાફ્ટ અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સહિતના 32 દેશોના જહાજો ભાગ લેશે.’
29 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી જોધપુરમાં યોજાશે બીજો તબક્કો
જ્યારે યુદ્ધાભ્યાસનો બીજો તબક્કો જોધપુર ખાતે 29 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી યોજાશે. જેમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ગ્રીસ, સિંગાપોર, UAE અને અમેરિકાના વાયુસેના તેમની હવાઈ સંપત્તિ સાથે ભાગ લેશે. આ તબક્કા દરમિયાન 27 ફાઇટર એરક્રાફ્ટ, બે રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ, બે એર વોર્નિંગ એરક્રાફ્ટ (AWACS) અને ચાર C-130 એરક્રાફ્ટ જોડાશે. સુલુર અને જોધપુરમાં યોજાવા જઈ રહેલા તરંગ શક્તિના યુદ્ધાભ્યાસમાં ભારતીય વાયુસેનાના અગ્નિવીર (વાયુવીર) કેટલીક જમીની ભૂમિકામાં ભાગ લેશે. આ સાથે દરેક તબક્કામાં ભારતીય વાયુસેનાના 40થી વધુ જહાજો સામેલ થશે. જેમાં પ્રથમ તબક્કામાં નૌકાદળના MiG-29K જેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારત સહિત વિવિધ દેશના આ એરક્રાફ્ટ જહાજો તેની તાકાત બતાવશે
ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેનમાં રાફેલ, સુખોઈ-30 MKI, મિરાજ 2000, જગુઆર અને MiG-29Kનો સમાવેશ થાય છે. અન્ય દેશોના ફાઇટર પ્લેન વિશે જાણકારી આપતા વાઇસ ચીફ એર માર્શલ એપી સિંહે જણાવ્યું હતું કે, ‘F-18, F-16, રાફેલ અને યુરોફાઇટર ટાયફૂનનો સમાવેશ થશે. મલ્ટીનેશનલ એયર એક્સરસાઈઝ તરંગ શક્તિ હેતુ ભારતમાં ડિફેન્સ ઇકોસિસ્ટમમાં સતત વધારો થઈ રહ્યો છે તે વિશ્વને બતાવવાનો છે. DRDO, ભારતનો ઉડ્ડયન ઉદ્યોગ અને PSU થકી સ્વદેશી ક્ષમતાઓ પ્રદર્શિત કરીને અન્ય દેશોને ભારતના સ્વદેશી ઉદ્યોગની તાકાત બતાવીશું.’