આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં લાલ દરવાજા હાઇવે પર એસટી બસ સ્ટોપજ છે અને ત્યાં બસ સ્ટેન્ડ પણ બનેલ છે. આ સ્ટોપજથી ખુબ મોટી સંખ્યામાં નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ દૈનિક એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી એસટી બસ બસ સ્ટેન્ડ પાસે નહી પણ હાઇવે પર ટ્રાફિકમાં ઉભી રહે છે જેથી મુસાફરોને ખુબ હાલાકી ભોગવવી પડી રહી છે.
ઉમરેઠમાં રહેતી શ્રુતી કૌશિકભાઈ પટેલ અભ્યાસ અર્થે એસટી બસ દ્વારા સારસા અપડાઉન કરે છે. મંગળવારનાં રોજ બસ સ્ટેન્ડને બદલે રોડ પર ઉભી રહેલી શામળાજી – વડોદરા બસમાં જ્યારે શ્રુતીબેન ચઢી રહ્યા હતાં ત્યારે બસ ડ્રાઈવરે બસ ચાલુ કરી દેતા શ્રુતીબેન રોડ પર પટકઈને બસની નીચે આવી ગયા. આ કારણે તેમના બંને પગમાં ઈજાઓ પહોંચી છે.
સરકારી બસની આવી બેદરકારી કે બસનો દરવાજો ખુલ્લો છે અને વિદ્યાર્થીઓ ચઢી રહ્યા છે ત્યારે બસ દોડવા લાગે છે તેનો ભોગ બનેલ આ વિદ્યાર્થીનીને ન્યાય કેવી રીતે મળશે ? શું એસટી તંત્ર આવી જ રીતે કોઈ મુસાફરોના જીવનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યા છે ?