ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ સૌથી મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. હિંસક વિરોધ વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ અચાનક જ પદ પરથી રાજીનામું આપી દેશ છોડવો પડ્યો હતો. આ પછી દેશના આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને જાહેરાત કરી છે કે, સેનાની મદદથી નવી વચગાળાની સરકાર બનાવવામાં આવશે. અવામી લીગ પાર્ટીએ હસીનાના રાજીનામાની માંગને મુખ્ય વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને હવે પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામી પાર્ટીના પ્રભાવ પર જવાબદાર ઠેરવી છે અને તેમના પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. આ તરફ હવે બાંગ્લાદેશમાં શેખ હસીનાના તખ્તાપલટથી ભારતે એલર્ટ રહેવાની જરૂર છે. અનેક એવા પડકારો છે જે આપણી માટે જોખમકારક બની શકે છે.
બાંગ્લાદેશમાં અનામત ઉપરાંત બેરોજગારી, ઘટતો વિદેશી મુદ્રા ભંડાર અને દરેક વસ્તુને અંકુશમાં રાખવાની ઈચ્છા પણ આ વિરોધના કારણો છે. પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે, 1971 સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે 30 ટકા સરકારી નોકરીઓ અનામત રાખતી ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવામાં આવે. અગાઉ જ્યારે હિંસા ફાટી નીકળી હતી ત્યારે કોર્ટે ક્વોટાની મર્યાદા ઘટાડી હતી પરંતુ હિંસા અટકી ન હતી. હવે વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને હિંસા કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 300 થી વધુ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 14 પોલીસકર્મીઓના મોત થયા છે. 300થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. 11 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાંગ્લાદેશને 10 અબજ ડોલરનું આર્થિક નુકસાન થયું છે અને વિરોધીઓએ અવામી લીગના પ્રમુખ શેખ હસીનાના કાર્યાલયને આગ લગાવી દીધી છે.
ભારતનો આ પ્રોજેક્ટ અટકી જશે
આ તરફ હવે ભારતે તાજેતરમાં બાંગ્લાદેશ સાથે મોંગલા પોર્ટને લઈને એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા જેને ચીન માટે મહત્વપૂર્ણ પડકાર માનવામાં આવે છે. આના માધ્યમથી ભારત-બાંગ્લાદેશ હિંદ મહાસાગરના પશ્ચિમી અને પૂર્વી કિનારાઓ પર મજબૂત પક્કડ મેળવવામાં સફળ થયા હતા પરંતુ જે રીતે ત્યાં શેખ હસીનાની સરકારને ઉથલાવી દેવામાં આવી છે તેનાથી ભવિષ્યમાં આ પ્રોજેક્ટ સંતુલનમાં લટકી જશે. જો બાંગ્લાદેશમાં રચાનારી નવી સરકારમાં કટ્ટરપંથીઓનો ઉદય થશે તો તે ભારત સાથે હસીનાએ કરેલા કરારો રદ કરી શકે છે.
પશ્ચિમ બંગાળની સાથે આસામ, મિઝોરમ, મેઘાલય અને ત્રિપુરા પણ બાંગ્લાદેશ સાથે તેમની સરહદો વહેંચે છે. ભારત શેખ હસીના સાથે આ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં શાંતિ સ્થાપવામાં રોકાયેલું હતું કારણ કે ત્યાં કેટલાક બળવાખોર જૂથો હતા જે ઘટનાઓ પછી બાંગ્લાદેશ ભાગી જતા હતા. પરંતુ હસીનાની સરકાર સત્તામાં આવ્યા બાદ તેમના માટે આમ કરવું ઘણું મુશ્કેલ બની ગયું છે. આ દબાણ હેઠળ તેમાંથી મોટાભાગના લોકોએ ભારત સાથે શાંતિ સંધિ પર હસ્તાક્ષર કર્યા. જોકે મ્યાનમારમાં બળવા પછી કેટલાક જૂથો હજુ પણ ત્યાં ફરે છે. ચીન તેમને ત્યાં મદદ કરે છે. આવી સ્થિતિમાં સરહદ પર આવનારો સમય ભારત માટે થોડો મુશ્કેલ હશે.