કેન્દ્રીય ચૂંટણી પંચે આજે વિધાનસભાની ચૂંટણી માટેની તારીખ જાહેર કરી છે. વિધાનસભાની ચૂંટણીનું પરિણામની તારીખ પણ જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકસભાની ચૂંટણી સમયે જમ્મુ કાશ્મીરમાં મતદાન માટે લાગેલી લાઈનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જમ્મુ કાશ્મીરના નાગરિકોએ, બુલેટ-બાયકોટને બેલેટથી નકારી દીધુ હતું.
જમ્મુ કાશ્મીરમાં 90 બેઠકો માટે 11838 મતદાન કેન્દ્રો હશે. જેના માટે 87.09 લાખ મતદારો નોંધાયા છે. જમ્મુ કાશ્મીરમાં 360 મોડલ મતદાન મથકો બનાવવામાં આવશે. હરિયાણામાં 90 બેઠકો માટે ચૂંટણી યોજાશે. જેમા 73 સામાન્ય બેઠક અને 17 બેઠક અનામત બેઠક છે. હરિયાણા માટે 2 કરોડ 1 લાખ મતદારો નોંધાયેલા છે. 20629 મતદાન મથકો છે. શહેરી વિસ્તારમાં 7 હજાર અને ગ્રામ્ય વિસ્તારમાં 17 હજાર જેટલા મતદાન મથકોનો સમાવેશ થાય છે.
જમ્મુ કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 નાબૂદ કર્યા બાદ, પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાશે. 2019માં ઓગસ્ટ મહિનામાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી દેવાયાની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ પણ જાહેર કરાયો હતો. આ બાદ, જમ્મુ કાશ્મીર વિધાનસભા માટે નવું સીમાંકન હાથ ધરાયું હતું. જેમાં જમ્મુ કાશ્મીરમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ સહીત પાકિસ્તાન હસ્તકના કાશ્મીર માટે પણ કેટલીક બેઠકો અનામત જાહેર કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બંધારણની કલમ 370 અમલમાં હતી ત્યારે જમ્મુ કાશ્મીરમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે કોઈ બેઠકો અનામત નહોતી.
બેઠકોની સંખ્યામાં કેટલો ફેરફાર થયો ?
બંધારણની કલમ 370 અમલમાં હતી અને જમ્મુ કાશ્મીર તથા લદ્દાખ એક હતું તે સમયે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની કુલ 111 બેઠકો હતી. જેમાથી જમ્મુમાં 37, કાશ્મીરમાં 46 અને લદ્દાખમાં 4 બેઠક હતી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 24 બેઠક હતી.
હવે નવા સીમાંકન બાદ જમ્મુમાં 43 અને કાશ્મીરમાં 47 બેઠકો છે. પાકિસ્તાન હસ્તકના કાશ્મીર માટે માત્ર 24 સીટો આરક્ષિત છે. અહીં ચૂંટણી થઈ શકે તેમ નથી. જ્યારે લદ્દાખમાં હજુ સુધી વિધાનસભા અસ્તિત્વમાં નથી. આ રીતે કુલ 114 બેઠકો છે. જેમાંથી 90 બેઠકો માટે વિધાનસભાની ચૂંટણી યોજાશે.
ક્યાં અને કેટલી બેઠકો વધી?
જમ્મુ ક્ષેત્રમાં, સાંબા, કઠુઆ, રાજૌરી, કિશ્તવાડ, ડોડા અને ઉધમપુરમાં એક-એક બેઠક વધારવામાં આવી છે. તો બીજી તરફ, કાશ્મીર ક્ષેત્રમાં કુપવાડા જિલ્લામાં એક બેઠકનો વધારો કરવામાં આવ્યો છે.
જમ્મુના સાંબામાં રામગઢ, કઠુઆમાં જસરોટા, રાજૌરીમાં થન્નામંડી, કિશ્તવાડમાં પેડર-નાગસેની, ડોડામાં ડોડા પશ્ચિમ અને ઉધમપુરમાં રામનગર નવા મતવિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જ્યારે, કાશ્મીર ક્ષેત્રમાં કુપવાડા જિલ્લામાં એક બેઠકનો વધારો કરવામાં આવ્યો છે. કુપવાડામાં ત્રેહગામ નવો મતવિસ્તાર હશે. હવે કુપવાડામાં 5ને બદલે 6 બેઠકો બની છે.