વડોદરામાં અતિ ભારે વરસાદને પગલે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા ભાવનગરની આરોગ્યની ટીમ દ્વારા અનોખી પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સંબંધિત અસુવિધા ઊભી ન થાય તે માટે ઠેર-ઠેર માનવ સેવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે.
વડોદરા જિલ્લાના પી.એચ.સી. હાડોદના વીરજય ગામમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં બોટ દ્વારા એક સગર્ભાબેનને મેડિકલ સારવારની જરૂર હોવાથી તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેળાવદરના મેડિકલ ઓફિસર તથા ભાવનગરની ટીમ દ્વારા સગર્ભાબેનને બોટ દ્વારા બહાર સલામત સ્થળ પર વેળાવદર પી.એચ.સી.ની એમ્બ્યુલન્સ દ્વારા પી.એચ.સી હાંડોદ ( કરજણ) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
વેળાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ વડોદરા ખાતે ભાવનગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન અન્વયે પૂરગ્રસ્ત ગામોમાં પૂરગ્રસ્તોને આરોગ્યલક્ષી શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે ખડેપગે કામગીરી કરી રહી છે. જેમાં વેળાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. દિવ્યેશ ઉકાણી, એમ.પી.એચ.ડબલ્યુ. શ્રી દિલીપભાઇ વાજા, એમ.પી.એચ.ડબલ્યુ. રઘુભાઈ પરમાર અને ડ્રાઈવર માધાભાઈ વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ફરજ બજાવી રહ્યા છે.