ગારિયાધાર પાસે આવેલા સુખપર આરાધધામ મામાપીર જગ્યામાં નૂતન વર્ષે ભાઈબીજ રવિવારથી સંત ભક્ત ચરિત્ર ગાથા પ્રારંભ થયો છે. સંતો મહંતોની ઉપસ્થિતિ સાથે કથા વક્તા ઘનશ્યામભાઈ લખાણી દ્વારા લાભ મળી રહ્યો છે.
કથા પ્રારંભે હરિહરાનંદ ભારતીજી મહારાજનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું જે સાથે જગ્યાનાં જગ્યાનાં અવધેશાનંદ ભારતીજી અને અમૃતગીરીજી ચકાચકબાપુ, હર્ષદભારતીજી બાપુ, રુદ્રભારતીજી બાપુ તથા અન્ય સંતો મહંતો જોડાયાં હતાં.
આ પ્રસંગે હરિહરાનંદ ભારતીજી મહારાજે કથા આયોજન અંગે પ્રસન્નતા વ્યક્ત કરી ગુરુ તત્ત્વ તેમજ બુંદ અને નાદ તત્ત્વ અંગે ચિંતન આપ્યું.
પાંચ દિવસનાં આ કથા આયોજન પ્રસંગે પરવડીથી યોજાયેલ પોથી યાત્રામાં ધાર્મિક, સામાજિક અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને સેવક પરિવાર ભાવ ઉત્સાહ સાથે જોડાયાં હતાં.
કથા વક્તા ઘનશ્યામભાઈ લખાણીએ પોતાની આ સંત ચરિત્ર કથા અંગે સંતો અને જગ્યાઓ પરનો ભાવ વ્યક્ત કરી પ્રારંભ કર્યો હતો. તેઓએ સનાતન સંસ્કૃતિનાં આ સંતોની ગાથા સૌનાં માટે પ્રેરણારૂપ રહેલ હોવાની વાત કરી.
કથા પ્રારંભે સંચાલનમાં વિવેક વાઘાણી રહ્યાં અને પ્રાસંગિક ઉલ્લેખ પણ કરતાં રહ્યાં.
સમગ્ર કથા ઉત્સવમાં સંતો, મહંતો, ગાદીપતિ, વિદ્વાનો, મહાનુભાવો, અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાઈ ભજન સાથે ભોજન લાભ લઈ રહ્યાં છે. ગારિયાધાર સાથે ભાવનગર પંથક સાથે સુરત, અમદાવાદ તેમજ અન્યત્રથી ભાવિક સેવકો અને શ્રોતાઓ જોડાયાં છે.