મણીપુરમાં હિંસા અટકવાનું નામ લઈ રહી નથી. સોમવારે પોલીસ સ્ટેશનને ઉડાવી દેવા આવેલા 10 કુકી ઉગ્રવાદીઓને સુરક્ષા દળો દ્વારા ઠાર મારવામાં આવ્યા બાદથી તણાવ વધ્યો છે. મણીપુરના જિરીબામમાં આ ઘટના બાદથી ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકો ગુમ હોવાના અહેવાલો મળ્યા છે. આ છ જણ મૈતેઈ પરિવારના જ હોવાનું મૈતેઈસમુદાયે જણાવ્યું છે. વધુમાં મૈતેઈસમુદાયના અન્ય બે ભાઈઓના મૃતદેહો પણ મળી આવ્યા છે.
છ લોકોના અપહરણના સમાચાર સાથે ઈમ્ફાલ ખીણમાં ઉગ્ર આંદોલનના કારણે પાંચ જિલ્લામાં સંપૂર્ણપણે બંધનું એલાન છે. પોલીસે ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર આ ગુમ વ્યક્તિઓના ફોટો વાયરલ થયા છે.
મૈતેઈ સમુદાય જિરી અપુન્બા લુપ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અનુસાર ગુમ થયેલા છ લોકોમાં 1. તેલેમ થોઈબી દેવી (ઉ.વ.31) , તેની દિકરી તેલેમ થાજામંબી દેવી (ઉ.વ. 8), યુમ્રેમબમ રાની દેવી (ઉ.વ. 60), લૈશ્રામ હૈથોબી દેવી (ઉ.વ. 25) અને તેના એક અઢી વર્ષનું અને એક દસ મહિનાનું બાળક સામેલ છે.
CRPFએ 10 કુકી ઉગ્રવાદીઓને ઠાર માર્યા
સોમવારે જિરીબામ પોલીસ સ્ટેશન પર હુમલો કરવા 10 કુકી ઉગ્રવાદીઓ ઉમટી પડ્યા હતાં. જેમને સીઆરપીએફની ટીમે ઠાર માર્યા હતાં. જેમાં એક સીઆરપીએફ જવાન પણ ઘાયલ થયો હતો. તેમની પાસેથી હથિયારો, દારૂગોળો જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી કુકી ઉગ્રવાદીઓ ઉશ્કેરાયા છે. અને અનેક ઘરોમાં આગ ચાંપી હતી. સુરક્ષા દળો પણ સ્થિતિ કાબુમાં લેવા પ્રયાસો કરી રહી છે. શાળા-કોલેજો, બજારો બંધ કરવામાં આવ્યા છે. સાર્વત્રિક રૂપે આગામી 24 કલાક સુધી બંધનું એલાન આપવામાં આવ્યું છે.