ઈપીએફઓએ પીએફ ક્લેમ મુદ્દે ફરી નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે પીએફ ક્લેમ કરવા માટે આધાર કાર્ડની જરૂર રહેશે નહીં. પરંતુ આ નિયમ તમામ કર્મચારીઓ માટે લાગુ નહીં થાય, અમુક ખાસ કેટેગરીના સભ્યો માટે જ છે. આ છૂટ અમુક કેટેગરીના કર્મચારીઓ માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)ને આધાર સાથે લિંક કરાવવાની મંજૂરીમાં છૂટના ભાગરૂપે છે. આ પગલાંથી જે કર્મચારીઓ માટે આધાર નંબર લેવો મુશ્કેલ છે અથવા સંજોગોવશ આધાર જેવા ડોક્યુમેન્ટ મળી રહ્યા નથી, તેઓને લાભ થશે.
કોને મળશે છૂટ?
EPFO હેઠળ નોંધાયેલા આંતરરાષ્ટ્રીય કર્મચારીઓને આ ફેરફાર હેઠળ મુક્તિ આપવામાં આવી છે. તેમાં એવા પણ કર્મચારીઓ સામેલ છે કે, જેઓ ભારતમાં કામ કર્યા બાદ પોતાના દેશ પરત ફર્યા હોય અને આધાર મેળવી શકવા સક્ષમ નથી. તદુપરાંત, આ અંતર્ગત વિદેશી નાગરિકતા ધરાવતા ભારતીયો, કાયમી ધોરણે વિદેશ ગયેલા ભૂતપૂર્વ ભારતીય નાગરિકો અને નેપાળ અને ભૂટાનના નાગરિકોને પણ મુક્તિ આપવામાં આવી છે.
આધારની અનિવાર્યતા EPF&MP એક્ટ હેઠળ આવરી લેવામાં આવેલા કર્મચારીઓ માટે લાગુ નહીં થાય, જેઓ ભારતની બહાર રહે છે અને આધાર કાર્ડ ધરાવતા નથી. આ ફેરફારથી હજારો કર્મચારીઓને લાભ મળશે. ઈપીએફઓ હેઠળ ક્લેમ કરવા માટે તેમના માટે એક અલગથી વિકલ્પ આપવામાં આવશે.
આ દસ્તાવેજો હેઠળ ક્લેમ કરી શકાશે
કર્મચારીઓની આ કેટેગરી માટે, EPFO એ અન્ય દસ્તાવેજો દ્વારા PF ક્લેમની પતાવટ કરવાની મંજૂરી આપી છે. જેમાં વેરિફિકેશનના ભાગરૂપે પાસપોર્ટ, નાગરિકતા પ્રમાણપત્ર અથવા અન્ય સત્તાવાર ID પ્રૂફ. ચકાસણી PAN, બેન્ક ખાતાની વિગતો અને અન્ય પાત્રતા માપદંડો અપનાવવામાં આશે, રૂ. 5 લાખથી વધુના ક્લેમ માટે, સભ્યના એમ્પ્લોયર પાસેથી ચકાસવામાં આવશે.
ક્લેમ માટેના નિયમો શું?
EPFO દ્વારા બનાવવામાં આવેલા નિયમો અનુસાર, અધિકારીઓએ કોઈપણ ક્લેમની પતાવટ માટે કાળજીપૂર્વક તપાસ કરવી જોઈએ. ત્યારબાદ, એપ્રૂવલ ઓફિસર-ઇન-ચાર્જ (OIC) મારફત ઇ-ઓફિસ ફાઇલ દ્વારા મંજૂરી મેળવવી જરૂરી છે. કર્મચારીઓને UAN નંબર જાળવવાની અથવા અગાઉના સર્વિસ રેકોર્ડને સમાન UAN નંબર પર ટ્રાન્સફર કરવાની સલાહ આપવામાં આવે છે. આનાથી ક્લેમ મેળવવાનું સરળ બને છે.