પ્રાયોજના વહીવટદારશ ની કચેરી હસ્તક જિલ્લાના વિવિધ વિભાગોના ૨૨ હેડમાં ચાલતા પ્રગતિ હેઠળના અને પૂર્ણ થયેલા વિકાસ કામો અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ
ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભિખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ન્યૂ ગુજરાત પેટર્ન યોજનાના કામોની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરીએ કચેરી હસ્તકના અને જિલ્લાના વિવિધ વિભાગોના ૨૨ હેડમાં નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં હાથ ધરાયેલા જનસુખાકારીના વિકાસ કામો પૈકી પૂર્ણ થયેલા અને પ્રગતિ હેઠળના કામોની વિસ્તૃતમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કુલ રૂપિયા ૧૭.૬૬ કરોડના ૭૫૦ કામો પૈકી ૬૨૦ કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા જ્યારે ૧૩૦ કામો પ્રગતિહેઠળના છે. આ વિકાસ કામોમાં ૩૬૨૫ લાભાર્થીઓને સમાવી લેવામાં આવ્યા હતા. તેવીજ રીતે વર્ષ-૨૦૨૩-૨૪ દરમિયાન ૧૮.૮૯ કરોડ રૂપિયાના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાથ ધરાયેલા ૫૭૯ કામો પૈકી ૨૭૫ કામો પૂર્ણ થયા છે અને ૨૫૭ કામો પ્રગતિ હેઠળ છે. આ વિકાસ કાર્યોમાં કુલ ૨૯૦૪ જિલ્લાના લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
નર્મદા જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫નાં આયોજન અંગે થયેલી ચર્ચામાં જિલ્લાના પાંચેય તાલુકામાં આદિજાતી વસ્તીના પ્રમાણમાં ગ્રાન્ટની વહેંચણી સાથે કુલ રૂપિયા ૩૦.૬૮ કરોડના કામોની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત ૬૮૩ જેટલાં કામો હાથ ધરી કુલ ૪૬૧૧ લાભાર્થીઓનો સામાવેશ કરવામાં આવ્યો છે.
આદિજાતિ વિકાસ મંડળની બેઠક દરમિયાન મંત્રી ભિખુસિંહજી પરમારે જિલ્લામાં નાગરિકોની સુખાકારી માટે હાથ ધરવાના થતા બાકી રહેલા કાર્યો સત્વરે પૂર્ણ કરી નાગરિકોને સુવિધા પુરી પાડવા ઉપર ભાર મૂક્યો હતો. સરકાર ની યોજનાના અમલીકરણ અંગે મંત્રી એ કેટલાંક રચનાત્મક સૂચનો પણ કર્યાં હતા. અમલીકરણ અધિકારીઓ પાસે બાકી કામો અને શરૂ ન થયેલા કામોના કારણો જાણ્યા હતા.
જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ, ઈન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષક નિરજકુમાર, પ્રાયોજના વહિવટદાર હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.