સમગ્ર ઉત્તર ભારતમાં આ દિવસોમાં ભારે ઠંડી પડી રહી છે. રાજધાની દિલ્હીથી લઈને કાશ્મીર સુધી વાતાવરણમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં આ સિઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત શ્રીનગરમાં નોંધાઈ હતી. જેમાં તાપમાન -8.5 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી જતાં શહેરમાં કડકડતી ઠંડી પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શ્રીનગરમાં ડિસેમ્બર મહિના દરમિયાન ઇતિહાસમાં અત્યાર સુધીનું ત્રીજું સૌથી નીચું તાપમાન રહ્યું હતું.
#Kashmir shivers as #Srinagar records the coldest night of the season. pic.twitter.com/MlYd7JcnQz
— Jammu Ladakh vision (@jammu_ladakh) December 20, 2024
અનેક રાજ્યોમાં કોલ્ડવેવની ચેતવણી
દક્ષિણ કાશ્મીરમાં શોપિયાં મેદાનોમાં સૌથી ઠંડો વિસ્તાર હતો, જ્યાં લઘુત્તમ તાપમાન -10.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અનંતનાગ શહેરમાં -9.9 ડિગ્રી સેલ્સિયસ અને પુલવામા શહેરમાં પણ લઘુત્તમ તાપમાન -9.5 ડિગ્રી સેલ્સિયસ સાથે ઠંડી રાત નોંધાઈ હતી, જ્યારે લાર્નુમાં – 9.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી દિવસોમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ચંદીગઢ સહિત અનેક રાજ્યોમાં કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી છે.
કેવી છે કાશ્મીર અને લદ્દાખની હાલત?
કાશ્મીરમાં ઝોજિલા સૌથી ઠંડું સ્થળ હતું, જ્યાં લઘુત્તમ તાપમાન -24.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પ્રવાસન સ્થળ પહેલગામમાં લઘુત્તમ તાપમાન -8.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ન્યોમા લદ્દાખ ક્ષેત્રમાં -24 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે દ્રાસમાં રાત્રિનું તાપમાન -14.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજધાની લેહમાં તાપમાન -11.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે કારગીલમાં પણ લઘુત્તમ તાપમાન -13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આગામી બે દિવસ માટે હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે 21 થી 23 ડિસેમ્બરની વચ્ચે ઉંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી કરી છે, જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં 28 ડિસેમ્બર સુધી કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. સવારના સમયે કડકડતી ઠંડીના કારણે અનેક વિસ્તારોમાં નળ જામી ગયા હતા અને લોકોએ પાણીની પાઈપો ગરમ કરીને પાણી પુરવઠો પૂરો પાડવો પડ્યો હતો. કડકડતી ઠંડીને કારણે, દાલ સરોવરના ભાગો સહિત મોટાભાગના જળાશયો થીજી ગયા હતા.
હિમાચલ પ્રદેશમાં શીત લહેર
IMD અનુસાર, 23 ડિસેમ્બરે લાહૌલ સ્પીતિ, કુલ્લુ અને ચંબાના ઊંચા શિખરો પર હિમવર્ષા થઈ શકે છે. હવામાન વિભાગે હમીરપુર, મંડી, ઉના અને બિલાસપુર માટે ઓરેન્જ એલર્ટ અને કુલ્લુ, ચંબા અને કાંગડા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.