સુપ્રીમ કોર્ટે બેંકોને ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટ પર હવે બેંકોને વધુ વ્યાજદર વસૂલવાની મંજૂરી આપી છે. સર્વોચ્ચ અદાલતે બેંકોને રાહત આપતા રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગ (NCDRC)ના આદેશને ફગાવી દીધો હતો, જે અગાઉ ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણીમાં વિલંબ પર વ્યાજ દર વાર્ષિક 30% સુધી હતો જે હવે વધારી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી ગ્રાહકોને સુરક્ષા પૂરી પાડતી લાંબા સમયથી ચાલતી મર્યાદાનો અંત આવ્યો છે.
સુપ્રિમ કોર્ટની જસ્ટિસ બેલા ત્રિવેદી અને સતીશ ચંદ્ર શર્માની બેંચે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક (Standard Charter Bank), સિટી બેંક (Citi Bank), અમેરિકન એક્સપ્રેસ (American Express Bank) અને હોંગકોંગ અને શાંઘાઈ બેંકિંગ કોર્પોરેશન (HSBC) જેવી બેંકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટ સામે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે શું NCDRC (નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન)ને બેંકો દ્વારા તેમના ક્રેડિટ કાર્ડ ધારકો પાસેથી વસૂલવામાં આવતા વ્યાજ દરોની મહત્તમ મર્યાદા નક્કી કરવાનો અધિકાર છે કે જો નિયત તારીખે ચુકવણી ન કરવામાં આવે તો?
નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (NCDRC) એ ક્રેડિટ કાર્ડના વ્યાજ દરોને વાર્ષિક 30% પર મર્યાદિત કર્યા હતા. સુપ્રીમ કોર્ટે NCDRCના નિર્ણયને રદ કર્યા બાદ બેંકો પોતે ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણીમાં વિલંબને કારણે લાદવામાં આવનાર દંડ નક્કી કરી શકશે. માહિતી મુજબ બેંક હવે 49 ટકા સુધી વ્યાજદર વધારી શકે છે.
વર્ષ 2008માં NCDRCએ ક્રેડિટ કાર્ડના વ્યાજ દરોની મર્યાદા નક્કી કરી હતી. નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશને દલીલ કરી હતી કે બિલની ચુકવણીમાં વિલંબ માટે વધુ પડતી ફી વસૂલવી એ વ્યાજખોરી છે અને ગ્રાહકોનું શોષણ કરે છે. જોકે, સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા પછી બેંકોને હવે બાકી બિલોની ચુકવણીમાં વિલંબ પર મોટો દંડ વસૂલવાની સત્તા મળી છે.
ભારતમાં લગભગ 30% ક્રેડિટ કાર્ડ ધારકો પહેલેથી જ ડિફોલ્ટમાં છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી આવા લોકો પર આર્થિક દબાણ વધી શકે છે. ભારતથી વિપરીત કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ ગ્રાહકોની સુરક્ષા માટે ક્રેડિટ કાર્ડના વ્યાજ દરો પર કડક નિયમો લાગુ કર્યા છે. વિકસિત દેશોમાં ક્રેડિટ કાર્ડના દરો સામાન્ય રીતે 9.99% થી 24% સુધીના હોય છે.