ભારતના ફ્રાન્સ સાથેના સંબંધો તાજેતરના વર્ષોમાં ખાસ્સા મિલનસાર રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ફ્રાન્સની મુલાકાત કરી છે. તેઓ ભારત અને ફ્રાન્સ AI સમિટના સહ-યજમાન બન્યા છે. પીએમ મોદીની ફ્રાન્સની આ છઠ્ઠી મુલાકાત છે. બંને દેશ સંરક્ષણ અને પરમાણુ ઉર્જા સોદા પર પણ હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે. આ સમિટને કારણે તો હાલ ફ્રાન્સ ચર્ચામાં છે જ, પણ એ સિવાય પણ એક કારણસર ફ્રાન્સ ભારતમાં ચર્ચાસ્પદ બન્યું છે, અને તે છે એજ્યુકેશન.
ભારતીય વિદ્યાર્થીઓ માટે લાલ જાજમ
ભારતીય વિદ્યાથીઓ દ્વારા અભ્યાસાર્થે વિદેશગમનની વાત આવે એટલે અત્યાર સુધી ચાર દેશના નામ જ ધ્યાને ચઢતાઃ અમેરિકા, યુ.કે., ઓસ્ટ્રેલિયા અને કેનેડા. હવે એમાં પાંચમું નામ ઉમેરાયું છે ફ્રાન્સનું. ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષવા માટે ફ્રાન્સ સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમિટની લાલ જાજમ બિછાવી રહ્યું છે. 2030 સુધીમાં 30,000 ભારતીય વિદ્યાર્થીઓ ફ્રાન્સમાં ભણતા હોય, એવું લક્ષ્યાંક યુરોપનો આ દેશ રાખી રહ્યું છે.
બિઝનેસ, કળા, એન્જિનિયરિંગ, ટેક્નોલોજી અને વિજ્ઞાન જેવા અનેક વિષયોમાં ઉચ્ચ-સ્તરના કાર્યક્રમો ઓફર કરતી ‘HEC પેરિસ બિઝનેસ સ્કૂલ’, ‘સોર્બોન યુનિવર્સિટી’ અને ‘ઈકોલે પોલીટેકનીક’ જેવી 75 થી વધુ વિશ્વ-વિખ્યાત શૈક્ષણિક સંસ્થાઓ ફ્રાન્સમાં છે. તેથી હવે ફ્રાન્સ ભારતીય વિદ્યાર્થીઓ માટે પસંદગીનો દેશ બની રહ્યો છે.
ફ્રાન્સમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે
2023-24 ના શૈક્ષણિક વર્ષમાં કુલ 7344 ભારતીય વિદ્યાર્થીઓએ ફ્રાન્સની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો હતો. 2030 સુધીમાં આ સંખ્યામાં 200 ટકા જેટલો વધારો થવાનો અંદાજ છે. જાન્યુઆરી 2024માં ભારતની મુલાકાતે આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને જણાવ્યું હતું કે, તેમના દેશનું લક્ષ્ય 2030 સુધીમાં ભારતમાંથી 30,000 વિદ્યાર્થીઓને આવકારવાનું છે.
ભારતીય વિદ્યાર્થીઓ ફ્રાન્સ પર પસંદગી ઉતારતા હોવાના મુખ્ય કારણ
(1) અભ્યાસક્રમનું વૈવિધ્ય : ફ્રાન્સની પ્રાઈવેટ(ખાનગી) અને પબ્લિક(સરકારી) બંને પ્રકારની યુનિવર્સિટીઓ ઉચ્ચ શૈક્ષણિક ધોરણો ધરાવે છે. આ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને બિઝનેસ મેનેજમેન્ટથી લઈને ડેટા એનાલિસિસ અને ફેશનથી લઈને હોસ્પિટાલિટી સુધીના અભ્યાસક્રમોની વિશાળ શ્રેણી પ્રદાન કરવામાં આવે છે.
(2) પોસાય એવી ફી : ફ્રાન્સમાં શિક્ષણની કિંમત પ્રમાણમાં પોસાય એવી છે. સરકારી યુનિવર્સિટીઓમાં ફી ઓછી હોય છે. ફ્રાન્સની સરકાર ખાસ ભારતીય વિદ્યાર્થીઓને 15 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ પણ આપે છે, જેને લીધે ભારતીય વિદ્યાર્થીઓને અન્ય દેશોની તુલનામાં ફ્રાન્સમાં ભણવું સસ્તું પડે છે. વિદેશી વિદ્યાર્થીઓ ‘ચારપાક’ (Charpak) અને ‘એફિલ એક્સેલન્સ પ્રોગ્રામ’ જેવા નાણાકીય સહાય કાર્યક્રમોનો લાભ પણ લઈ શકે છે.
(3) ફ્રાન્સમાં રહેવું સસ્તું છે : ફ્રાન્સની રાજધાની પેરિસમાં રહેવાનો ખર્ચ દર મહિને સરેરાશ 1.54 લાખ રૂપિયા જેટલો થાય છે. લિયોન શહેરમાં આ ખર્ચ 1 લાખ જેટલો થાય છે. ફ્રાન્સના અન્ય શહેરોમાં સરેરાશ માસિક ખર્ચ આશરે 98,000 રૂપિયા થાય છે. ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા દેશોમાં આના કરતાં વધુ ખર્ચ થાય છે.
(4) નોકરી મળવાની શક્યતા વધુ : અન્ય દેશની શૈક્ષણિક સંસ્થાઓની સરખામણીમાં ફ્રાન્સની યુનિવર્સિટીઓ ખૂબ સારા પ્લેસમેન્ટ પ્રોગ્રામ ઓફર કરે છે. વિદ્યાર્થીઓને વધુ સારા પેકેજ ઓફર કરવામાં આવે છે, જેને લીધે ભણી રહ્યા પછી નોકરી મળશે કે કેમ? એ પ્રશ્ન મોટેભાગે તો રહેતો નથી.
(5) ભારત સાથેના સાનુકૂળ સંબંધ : ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાંથી ભારતીયોની હાકલપટ્ટી કરવા માંડી છે, તેથી ઘણા ભારતીય વિદ્યાર્થીઓને હવે અમેરિકા જવું જોખમી લાગે છે. ભારત અને કેનેડા વચ્ચે હાલમાં તણાવપૂર્ણ સંબંધો છે અને ઓસ્ટ્રેલિયા એક હદથી મોંઘું ડૅસ્ટિનેશન છે. સામે પક્ષે, ફ્રાન્સના ભારત સાથેના સંબંધ હૂંફાળા છે, તેથી પણ વધુ ને વધુ વિદ્યાર્થીઓ હવે ભણવા માટે ફ્રાન્સ પર પસંદગી ઉતારી રહ્યા છે.
(6) ફ્રાન્સ જવું સરળ છે : બીજા દેશોની સરખામણીમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે ફ્રાન્સ જવું સરળ છે. ફ્રાન્સના વિઝા મેળવવાની પ્રક્રિયા પ્રમાણમાં સરળ છે. વિદ્યાર્થીઓને આકર્ષવા માટે ફ્રાન્સ શક્ય તેટલી તમામ સગવડો વધારી રહ્યું છે.
(7) અંગ્રેજીમાં અભ્યાસક્રમો ઉપલબ્ધ છે : ભારતીય વિદ્યાર્થીઓનું અંગ્રેજી અન્ય દેશના વિદ્યાર્થીઓ કરતાં ઘણું વધારે સારું હોય છે. ભારતના વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં અભ્યાસ કરી શકે એ માટે ફ્રેન્ચ યુનિવર્સિટીઓ અંગ્રેજી ભાષામાં અભ્યાસક્રમો ઓફર કરે છે.
(8) ડ્યુઅલ ડિગ્રી પણ આપે છે : ઘણી ફ્રેન્ચ યુનિવર્સિટીઓ ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ પણ ઓફર કરે છે. જેમ કે, પેરિસની ‘સાયન્સીસ પો’ (Sciences Po) યુનિવર્સિટીએ ગયા વર્ષે મુંબઈની TISS (ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાયન્સ) સાથે ડ્યુઅલ માસ્ટર્સ પ્રોગ્રામની જાહેરાત કરી હતી. જેથી આ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીને બંને સંસ્થાની ડ્યુઅલ ડિગ્રી મળે છે. એ જ રીતે નેનોસાયન્સ અને/અથવા નેનોટેક્નોલોજીના અભ્યાસ કરનારને ‘મુંબઈ યુનિવર્સિટી’ અને ફ્રાન્સની ‘યુનિવર્સિટી ઑફ ટ્રોયસ’ દ્વારા ડ્યુઅલ ડિગ્રી એનાયત કરવામાં આવે છે.
(9) સ્પેશિયલ વિઝા મળે છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2023 માં ફ્રાન્સની મુલાકાતે ગયા હતા ત્યારે ફ્રેન્ચ વહીવટીતંત્રે ભારતના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે પાંચ વર્ષના શેન્ગન સર્ક્યુલેશન વિઝાની જાહેરાત કરી હતી. ભૂતકાળમાં જે ભારતીય વિદ્યાર્થીઓએ ફ્રાન્સમાં માસ્ટર ડિગ્રી કે તેથી વધુ ઊંચી ડિગ્રી મેળવી હોય અને ઓછામાં ઓછું એક સેમેસ્ટર માટે ફ્રાન્સમાં અભ્યાસ કર્યો હોય તેઓને પાંચ વર્ષના ટૂંકા રોકાણના શેન્ગન વિઝા મળે છે.
ફ્રાન્સ સરકાર અનુસ્નાતકોને બે વર્ષના પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા પણ આપે છે.