કચ્છમાં નારાયણ સરોવર કોટેશ્વરમાં રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાન કરતાં મોરારિબાપુએ પતંજલિનાં સ્મરણ સાથે કહ્યું કે, રાગ, દ્વેષ, અસ્મિતા, અવિદ્યા અને અભિનિવેશ નથી, ત્યાં ઈશ્વર છે.
રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાન કરતાં કથા પ્રવાહમાં હનુમાનજી સાથે સીતા રામજી વર્ણન વંદના કરી તુલસીદાસજીએ રામ નામ એ મહામંત્ર ગણી કરેલ ભક્તિ અંગે ઉલ્લેખ કરી મોરારિબાપુએ પતંજલિનાં સ્મરણ સાથે કહ્યું કે, રાગ, દ્વેષ, અસ્મિતા, અવિદ્યા અને અભિનિવેશ નથી, ત્યાં ઈશ્વર છે.
મહાભારત, ભાગવત સાથે રામચરિત માનસ મહિમા વર્ણવી અધ્યાત્મ સહેલું છે, પરંતુ અઘરું કરવામાં આવ્યું હોવાનું હળવી પીડા સાથે કહ્યું. તેઓએ વિનમ્રભાવે જણાવ્યું કે, પોતે ઉપદેશ આપવા માટે નહિ પણ સંવાદ અને અનુભવનું અરસ પરસ પ્રદાન કરી કથાગાન કરી રહેલ છે.
મોરારિબાપુએ સનાતન શાસ્ત્ર કથાનાં મહિમા મહાત્મ્યરૂપ વાત કરતાં ઈશ્વર, સર્વેશ્વર અને પરમેશ્વર એમ ત્રણ વ્યાખ્યા કરી ઈશ્વર એ રામ એટલે સત્ય, પરમેશ્વર એ કૃષ્ણ એટલે પ્રેમ અને સર્વેશ્વર એ મહાદેવ એટલે કરૂણા એમ તત્ત્વ નિરૂપણ પ્રસ્તુત કર્યું.
રામકથામાં એક પ્રશ્ન સંદર્ભે યુવાનો માટે પંચાયતરૂપ પાંચ સૂત્ર આપતાં મોરારિબાપુએ દેહ સેવા એટલે શરીર સાચવવા, દેવ સેવા વડીલો સહિત પ્રત્યે ભાવ રાખવા, દેશ સેવા એટલે રાષ્ટ્ર પ્રત્યે જાગૃત રહેવા, દીન સેવા એટલે ગરીબો પ્રત્યે સદ્ભાવ રાખવા અને દિલ સેવા એટલે સંસ્કાર સાથે પ્રેમભાવ કેળવવા શીખ આપી.
કચ્છમાં નારાયણ સરોવર કોટેશ્વરમાં રામકથા ‘માનસ કોટેશ્વર’ મનોરથી પ્રવીણભાઈ તન્ના પરિવાર સાથે કથા આયોજનમાં અગ્રણી કાર્યકર્તાઓ સંકલનમાં રહ્યાં છે. મોટી સંખ્યામાં ભાવિકો કથા શ્રવણ લાભ લઈ રહ્યાં છે.