‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ ચર્ચામાં છે, આ દરમિયાન સૂચના અને પ્રસારણ મંત્રાલયે OTT પ્લેટફોર્મ્સ માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં અનેક પ્રકારની વાતો કહેવામાં આવી છે.
હાલમાં ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. લોકો આ શો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે. સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાના સંદર્ભમાં લોકો રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. દરમિયાન સૂચના અને પ્રસારણ મંત્રાલયે OTT પ્લેટફોર્મ માટે એક એડવાઇઝરી જારી કરી છે. જેમાં કંટેંટને વય-આધારિત વર્ગીકરણને કડક બનાવવા અને માહિતી ટેકનોલોજી (IT) નિયમો 2021 નું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.
જારી કરવામાં આવી એડવાઇઝરી
સૂચના અને પ્રસારણ મંત્રાલયે માહિતી ટેકનોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા, આચાર સંહિતા) નિયમો, 2021 હેઠળ નિર્ધારિત ભારતીય કાયદાઓ અને આચાર સંહિતાનું પાલન કરવા અંગે એક એડવાઇઝરી જારી કરી છે. તેમાં જણાવાયું છે કે “એવી સલાહ આપવામાં આવે છે કે OTT પ્લેટફોર્મ્સ તેમના પ્લેટફોર્મ પર સામગ્રી પ્રકાશિત કરતી વખતે લાગુ કાયદાઓની વિવિધ જોગવાઈઓ અને IT નિયમો, 2021 હેઠળ નિર્ધારિત આચારસંહિતાનું પાલન કરે. જેમાં આચારસંહિતા હેઠળ નિર્ધારિત સામગ્રીના વય-આધારિત વર્ગીકરણનું કડક પાલન શામેલ છે. આ સિવાય ઓટીટી પ્લેટફોર્મના સ્વ નિયામક સંસ્થાઓને અનુરોધ કરાયો છે કે તેઓ પ્લેટફોર્મ દ્વારા આચાર સંહિતાના ઉલ્લંઘનને લઇ યોગ્ય સક્રિય કાર્યવાહી કરે.
તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સૂચના ટેકનોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા, નૈતિકતા સંહિતા) નિયમો, 2021 ના ભાગ-II, અન્ય બાબતોની સાથે OTT પ્લેટફોર્મ માટે આચાર સંહિતા અને આચાર સંહિતાના ઉલ્લંઘન સંબંધિત ફરિયાદોના નિવારણ માટે ત્રણ-સ્તરીય સંસ્થાકીય પદ્ધતિની જોગવાઈ કરે છે. આચારસંહિતા, અન્ય બાબતોની સાથે OTT પ્લેટફોર્મને કાયદા દ્વારા પ્રતિબંધિત કોઈપણ સામગ્રીનું પ્રસારણ ન કરવાની ફરજ પાડે છે. આ ઉપરાંત એવું કહેવામાં આવ્યું છે કે ક્રિએટરે યોગ્ય સાવધાની અને પોતાના વિવેકનો ઉપયોગ કરવો જોઈએ.
ફરિયાદો મળી હતી
ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટના એક એપિસોડમાં અશ્લીલ ટિપ્પણી કરવામાં આવ્યા બાદ માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ એડવાઇઝરી જારી કરી છે. સરકારે યુટ્યુબ પરથી શોનો એપિસોડ દૂર કરવાની વાત કહી હતી. જેને લઇ દૂર કરવામાં આવ્યો હતો. જારી કરાયેલા નોટિફિકેશનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયા પર કેટલાક ચાહકો દ્વારા અશ્લીલ, પોનોગ્રાફિક અને અભદ્ર સામગ્રીના પ્રસાર અંગે ફરિયાદો મળી હતી.