વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. તેમણે દક્ષિણ આફ્રિકાની રાજધાની જોહાનિસબર્ગમાં યોજાઈ રહેલી G-20 બેઠક દરમિયાન તેઓ તેમના ચીની સમકક્ષ વાંગ યીને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે સીધી ફ્લાઇટ્સ અને કૈલાશ માનસરોવર યાત્રા અંગે સાર્થક ચર્ચા થઈ હતી.
આ મુલાકાત વિશે ખુદ વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ બેઠક વિશેની માહિતી આપી હતી. તેમણે એક પોસ્ટમાં લખ્યું કે, આજે સવારે જોહાનિસબર્ગમાં G-20 વિદેશ મંત્રીઓની બેઠકમાંથી તેમને CPC પોલિટબ્યુરોના સભ્ય અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીને મળવાની તક મળી હતી.
વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન બહાર આવ્યું
નવી દિલ્હીમાં સાપ્તાહિક મીડિયા બ્રીફિંગને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ‘બંને મંત્રીઓએ નવેમ્બરમાં તેમની છેલ્લી મુલાકાત પછી દ્વિપક્ષીય સંબંધોમાં થયેલા વિકાસની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન બંને મંત્રીઓએ ખાસ કરીને સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુમેળ બની રહે તે માટેનું સંચાલન કરવા વિશે પણ વાત કરી હતી.
વિદેશ મંત્રાલયે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહ બની રહે તેવું સંચાલન, કૈલાશ માનસરોવર યાત્રા, સીધી ફ્લાઇટ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા અને મુસાફરી સુવિધા અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે G-20 અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન પર પણ વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
વિદેશ સચિવે ચીનની મુલાકાત લીધી
ઉલ્લેખનીય છે કે, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ આ વર્ષે 26-27 જાન્યુઆરીએ ભારત અને ચીન વચ્ચે વિદેશ સચિવ-નાયબ વિદેશ મંત્રી મિકેનિઝમની બેઠક માટે બેઇજિંગની મુલાકાત લીધી હતી. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ઓક્ટોબરમાં કાઝાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠકમાં સંમતિ મુજબ, બંને પક્ષોએ ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિની વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી અને સંબંધોને સ્થિર કરવા અને પુનઃનિર્માણ કરવા માટે કેટલાક લોકો-કેન્દ્રિત પગલાં લેવા સંમત થયા.
ફરીથી શરુ થશે માનસરોવર યાત્રા
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, બંને પક્ષોએ 2025 ના ઉનાળામાં કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સંબંધિત પદ્ધતિઓ હાલના કરારો અનુસાર આમ કરવા માટેની પદ્ધતિઓની ચર્ચા કરશે.
ઉલ્લેખનીય છે કે, ભારત દર વર્ષે જૂન અને સપ્ટેમ્બર વચ્ચે ઉત્તરાખંડના લિપુલેખ પાસ અને સિક્કિમના નાથુ લા પાસ દ્વારા KMYનું આયોજન કરે છે. 2020 માં કોરોના મહામારી અને ગલવાન અથડામણને કારણે ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી તે પહેલાં બંને દેશો વચ્ચે દર મહિને 539 સીધી ફ્લાઇટ્સ હતી. આ સમયગાળા દરમિયાન કુલ બેઠકોની ક્ષમતા 1.25 લાખથી વધુ હતી.
આ વર્ષે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરાઈ
બેઇજિંગમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીની આ વર્ષે જાન્યુઆરીમાં બેઠક થયા બાદ એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત બંને દેશો વચ્ચે સીધી હવાઈ મુસાફરી શરૂ થશે અને કૈલાશ માનસરોવરની યાત્રા ફરી શરૂ કરવા અંગે કરાર થયો. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષોના સંબંધિત ટેકનિકલ અધિકારીઓ ટૂંક સમયમાં મળશે અને આ હેતુ માટે એક અપડેટેડ રુપરેખા પર બેઠક અને વાતચીત કરશે.