ગુજરાત સહિત દેશભરમાંથી અનેક ભારતીયો અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે. એક આંકડા મુજબ 3 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે અને અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે. અમેરિકામાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થી વિઝા જરૂરી છે. આ દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને દેશમાં આવીને અભ્યાસ કરવાની મંજૂરી આપવામાં આવે છે. જોકે અમેરિકામાં અભ્યાસ કરતા પહેલા અહીં ઉપલબ્ધ વિદ્યાર્થી વિઝાને સમજવું મહત્વપૂર્ણ છે. અમેરિકામાં બે પ્રકારના વિદ્યાર્થી વિઝા આપવામાં આવે છે, જેને F-1 અને M-1 વિઝા તરીકે ઓળખવામાં આવે છે.
અમેરિકામાં અભ્યાસ કરતા પહેલા એ સમજવું જરૂરી છે કે, વિદ્યાર્થી વિઝા શું છે ? યુએસ સ્ટુડન્ટ વિઝા વિદેશી નાગરિકોને માન્યતા પ્રાપ્ત કોલેજ અથવા શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ આવવાની મંજૂરી આપે છે. વિદ્યાર્થી કઈ વિઝા શ્રેણી માટે અરજી કરે છે તે તેના અભ્યાસક્રમ પર આધાર રાખે છે. વિદ્યાર્થી વિઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જેનો અર્થ એ છે કે, તે કાયમી રોકાણ માટે આપવામાં આવે છે. આનો અર્થ એ થયો કે, અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીએ પોતાના દેશમાં પાછા ફરવું પડશે.
F-1 અને M-1 વિઝા વચ્ચે શું તફાવત છે?
વિદેશી વિદ્યાર્થીઓને આપવામાં આવતા F-1 અને M-1 બંને વિઝા નોન-ઇમિગ્રન્ટ વિઝા છે પરંતુ તેમની જરૂરિયાતો અલગ અલગ છે. કોર્ષ પૂર્ણ કર્યા પછી આ વિઝા ધારકોએ દેશ છોડવો પડશે. જો તેમને આ સમય દરમિયાન નોકરી મળે તો તેઓ વર્ક વિઝા પર શિફ્ટ થઈ શકે છે અને અમેરિકામાં રહી શકે છે.
F-1 વિઝા :
F-1 વિઝા એ યુનાઇટેડ સ્ટેટ્સમાં અભ્યાસ કરવા માટે ઉપલબ્ધ સૌથી સામાન્ય વિઝા પ્રકાર છે. તે માન્યતા પ્રાપ્ત યુએસ સંસ્થાઓમાં અભ્યાસ માટે આપવામાં આવે છે. આ વિઝા શૈક્ષણિક અભ્યાસ માટે છે. જેમ કે યુનિવર્સિટી, કોલેજ, હાઇ સ્કૂલ, ભાષા તાલીમ વગેરે. F-1 વિઝા ધારકો પૂર્ણ-સમયના વિદ્યાર્થીઓ હોય છે અને અભ્યાસ પછી તેમને વૈકલ્પિક પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) દ્વારા કામ કરવાની તક મળે છે. F-1 વિઝા મેળવવા માટે વિદ્યાર્થીઓએ SEVP દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાં પ્રવેશ મેળવવો આવશ્યક છે. તેમણે પોતાના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાનો પુરાવો આપવો પડશે. અભ્યાસ પછી અમેરિકા છોડવાનો પુરાવો આપવો પડશે.
M-1 વિઝા :
આ વિઝા અમેરિકામાં વિદ્યાર્થીઓને વ્યાવસાયિક તાલીમ કાર્યક્રમો જેમ કે ટેકનિકલ તાલીમ, રસોઈ, ફ્લાઇટ તાલીમ વગેરે માટે આપવામાં આવે છે. આ વિઝા કેટલાક વિશિષ્ટ કાર્યક્રમો માટે પણ ઉપલબ્ધ છે જે પૂર્ણ કરવાથી ડિગ્રી અથવા ડિપ્લોમા મળે છે. M-1 વિઝા ધારકોને સામાન્ય રીતે તેમના અભ્યાસ દરમિયાન કામ કરવાની મંજૂરી નથી સિવાય કે અમુક ચોક્કસ પરિસ્થિતિઓમાં, જેમ કે અભ્યાસક્રમના ભાગ રૂપે વ્યવહારુ તાલીમ મેળવવી. M-1 વિઝા માટે વિદ્યાર્થીએ SEVP દ્વારા માન્યતા પ્રાપ્ત વ્યાવસાયિક સંસ્થામાં પ્રવેશ લેવો આવશ્યક છે. તેમની પાસે તેમના અભ્યાસ ખર્ચને પહોંચી વળવા માટે પૈસા હોવા જોઈએ અને અભ્યાસક્રમ પૂરો થયા પછી તેમના દેશમાં પાછા ફરવાનો પુરાવો આપવો જોઈએ.