રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ 13 ફેબ્રુઆરીના રોજ મુંબઈ સ્થિત ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક પર પ્રતિબંધ મુક્યો હતો અને ગ્રાહકોના એક પણ રૂપિયો ઉપાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના પછી ગ્રાહકોમાં ગભરાટ ફેલાયો હતો. હવે RBI એ બેન્કના ગ્રાહકોને મોટી રાહત આપી છે અને નિયંત્રણો હળવા કર્યા છે અને જમા ખાતામાંથી 25,000 રૂપિયા સુધી ઉપાડવાની મંજૂરી આપી છે. ગ્રાહકો 27 ફેબ્રુઆરીથી તેમના ખાતામાંથી આ રૂપિયા ઉપાડી શકશે. નોંધનીય છે કે 122 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ રિઝર્વ બેન્કે ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક સામે કડક કાર્યવાહી કરી હતી.
50 ટકા ગ્રાહકો સંપૂર્ણ રકમ ઉપાડી શકશે.
ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં RBI દ્વારા આપવામાં આવેલી આ છૂટછાટને કારણે બેન્કના અડધાથી વધુ ગ્રાહકોને રાહત મળશે અને રિપોર્ટ અનુસાર, ન્યૂ ઈન્ડિયા કો-ઓપ બેન્કના 50 ટકાથી વધુ ગ્રાહકો તેમની લગભગ 100 ટકા થાપણો ઉપાડી શકશે. પ્રતિબંધ લાદવામાં આવ્યો ત્યારથી તેની શાખાઓની બહાર ગ્રાહકોની ભીડ જોવા મળી હતી, જેમના માટે સોમવારે એક મોટી રાહતના સમાચાર આવ્યા હતા.
આ પ્રતિબંધ 13 ફેબ્રુઆરીએ લાદવામાં આવ્યો હતો
નોંધનીય છે કે 122 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ 13 ફેબ્રુઆરીએ, રિઝર્વ બેન્કે ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક પર છ મહિના માટે પ્રતિબંધ મૂક્યો હતો અને તાત્કાલિક અસરથી તેના ખાતામાંથી કોઈપણ પ્રકારની ઉપાડ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સાથે બેન્કની લોન આપવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ આ સહકારી બેન્કનો લોન વસૂલવાનો અધિકાર યથાવત રાખવામાં આવ્યો હતો.
શું હતો આખો મામલો?
ન્યૂ ઈન્ડિયા કોઓપરેટિવ બેન્કના કાર્યકારી સીઈઓ દેવર્ષિ ઘોષની ફરિયાદ પર જનરલ મેનેજર હિતેશ મહેતા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. હિતેશ મહેતા આ સહકારી બેન્કમાં એકાઉન્ટ હેડ પણ હતા. તેમની સામે બેન્કમાં તેમના પદનો દુરુપયોગ કરવાનો અને 122 કરોડ રૂપિયાના રિઝર્વ ફંડની ઉચાપત કરવાનો આરોપ લગાવીને કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ FIR ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(5) 61(2) હેઠળ નોંધવામાં આવી હતી. ન્યૂ ઈન્ડિયા કોઓપરેટિવ બેન્ક કૌભાંડ કેસમાં EOW એ અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે.
તમે બ્રાન્ચ અથવા ATM માંથી પૈસા ઉપાડી શકો છો
RBIની છૂટછાટ પછી ગ્રાહકો ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્કની બધી શાખાઓ તેમજ ATM દ્વારા નિર્ધારિત રકમ ઉપાડી શકશે, પરંતુ ગ્રાહકો 25,000 રૂપિયાની નિર્ધારિત મર્યાદા અથવા તેમના ઉપલબ્ધ બેલેન્સ જે પણ ઓછું હોય તેનાથી વધુ પૈસા ઉપાડી શકશે નહીં. RBI એ એમ પણ કહ્યું છે કે તે બેન્ક સાથે સંબંધિ તમામ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યં છે અને ખાતાધારકોના હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લેશે.