આજના યુગમાં કોર્ટના ચુકાદા પણ એઆઇ-સંચાલિત ચેટબોટનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. ત્યારે છત્તીસગઢના નાણા પ્રધાન ઓ. પી. ચૌધરીએ હિન્દીમાં ૧૦૦ પાનાનું હસ્તલિખિત બજેટ રજૂ કરીને પોતાના વ્યક્તિગત સમર્પણનો પરિચય આપ્યો છે. જે બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા પ્રત્યેના તેમના વ્યવહારુ અભિગમ અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ભૂતપૂર્વ આઇએએસ ચૌધરીએ રાજકારણમાં જોડાવા માટે સેવા છોડી દીધી હતી. કારણ કે તેમણે રાજકારણને જનતાની સેવા કરવા માટેના એક મોટા માધ્યમ તરીકે જોયું હતું. છત્તીસગઢ વિધાનસભામાં ૧ એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષ માટે ૪ માર્ચે બજેટ રજૂ કરતાં પહેલાંના દિવસોમાં તેમણે અડધી રાત સુધી કામ કર્યું હતું. આ દરમિયાન તેઓએ માંડ બે કલાકની ઊંઘ લીધી હશે.
રાજ્યની નાણાકીય યોજના અને ધ્યેયો પ્રત્યે માલિકી અને સમર્પણની ભાવના દર્શાવવાનું આ દુર્લભ કાર્ય નોંધપાત્ર હતું. ખાસ કરીને ત્યારે જ્યારે મોટાભાગના બજેટ દસ્તાવેજો સામાન્ય રીતે અધિકારીઓની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવે છે અથવા તો કોમ્પ્યુટર પર ટાઇપ કરવામાં આવે છે.