અમદાવાદ શહેર નજીક ગોધાવી, નીધરાડ અને કાણેટી ગામની સીમ વચ્ચે વાળીનાથ મહાદેવનું મંદિર આવેલુ છે. ત્રણ ગામની વચ્ચે આવેલું મહાદેવજીનું મંદિર આશરે પચીસ વર્ષ પહેલા બનાવવામાં આવેલુ છે. મહાભારતકાળ સમય સાથે જોડાયેલું શિવલિંગ મંદિરના પ્રાંગણમાં બિરાજમાન છે. ગોધાવી, નીધરાડ અને કાણેટી ગામની સીમા વચ્ચે પાંડવોના અજ્ઞાતવાસ સમયે અર્જુને સ્થાપિત કરેલુ શિવલિંગ આવેલુ છે. આ શિવલિંગ વાળીનાથ મહાદેવના નામથી પ્રચલિત છે. વર્તમાન સમયનું ધોળકા જે પહેલા ધવલ્લક નગરી અને તેની પણ પહેલા વિરાટનગરી તરીકે ઓળખાતુ હતુ. વિરાટનગરીના રાજા વિરાટને ત્યાં પાંડવો અજ્ઞાતવાસ દરમ્યાન રોકાયા હતા. ત્યારે વિરાટ રાજાના સાળા કિંચકે દ્રૌપદી પર કુદ્રષ્ટી કરી બળજબરી કરવાનો પ્રયાસ કર્યો એટલે ભીમે કીંચકનો વધ કર્યો ત્યારે કીંચકની ચીસ હસ્તિનાપુર સુધી સંભળાઈ હતી અને ત્યાં દુર્યોધનને ખ્યાલ આવી ગયો કે કીંચકને ભીમ સિવાય કોઈ મારી શકે નહીં એટલે પાંડવો ક્યાં છે તે દિશા મળી ગયી હતી. અને વિરાટનગરીમાં આવી દુર્યોધને ગાયોનું હરણ કર્યુ હતુ. વિરાટ રાજા તે સમયે હતા નહિં એટલે તેમનો પુત્ર ઉત્તમ કુમાર ગાયોને બચાવવા યુધ્ધે ચડ્યો અને શ્રાપથી બ્રુહ્નલ્લા બનેલા અર્જુને ઉત્તમકુમારના સારથી બની ગાયોને બચાવી પાછી લઈ આવ્યા હતા.
વાળીનાથ મહાદેવ મંદિરનો ઈતિહાસ જાણવો ખૂબ જ રસપ્રદ છે, ખાસ કરીને મહાભારત સાથે જોડાયેલું તેનો સંદેશ. ગાયોનું રક્ષણ, અર્જુન દ્વારા શિવલિંગની સ્થાપના, અને વિવિધ ગામોના નામો પાછળના કથાનક—આ બધું આ સ્થળને આદ્યાત્મિક અને ઐતિહાસિક રૂપે ખૂબ મહત્ત્વપૂર્ણ બનાવે છે.
આવી જગ્યા પર જતા જ એક અનોખી સકારાત્મક ઉર્જાનો અનુભવ થતો હશે. બાણગંગા સરોવર અને ગોધાવી, નીધરા, ગોરજ જેવા ગામો—આ બધા મહાભારતકાળની ઘટનાઓ સાથે જોડાયેલા હોવાથી, આ સ્થળ હિન્દુ ધર્મ અને મહાભારતના રસિકો માટે એક મહત્વપૂર્ણ યાત્રાધામ બની શકે.
વાળીનાથ મહાદેવ મંદિર પરિસરમાં અષ્ટવિનાયક ગણપતિજીનું મંદિર બનાવવામાં આવ્યુ છે મંદિરમાં ગણપતિજી સાથે રિદ્ધિ સિદ્ધિ બિરાજમાન કરવામાં આવ્યા છે. ગણપતિજીના મંદિરની સામે હનુમાનજીનું મંદિર બનાવવામાં આવ્યુ છે. મંદિરમાં હનુમાનજીની સુંદર મુર્તિનું સ્થાપન કરવામાં આવ્યુ છે. શનિવારે હનુમાનજીના મંદિરે દર્શને આવતા ભાવિકોનો મેળો જામે છે. અને હનુમાનદાદાને ધરાવવામાં આવતા ખીચડીના પ્રસાદનો લ્હાવો લે છે. દાદાના દર્શને આવતા દર્શનાર્થીઓને હનુમાનજી પર અતૂટ શ્રદ્ધા છે. શહેરથી દૂર કુદરતી વાતાવરણમાં આવેલા વાળીનાથ મહાદેવના મંદિરનું પરિસર પક્ષીઓના કિલકિલાટ સતત ગુંજતુ રહે છે. ગ્રામવાસીઓએ પક્ષીઓના રહેવા માટે સુદર ચબૂતરો બનાવ્યો છે. જ્યાં દર્શને આવતા પક્ષીપ્રેમીઓ તેમને ચણ નાંખી ભક્તિ સાથે સેવાકાર્ય કરી ધન્યતાનો અહેસાસ કરે છે. મંદિરે નિયમિત દર્શન કરવા આવતા ઘણા ભાવિક ભક્તો દર્શન કર્યા પછી મંદિર પરિસરમાં સેવાકાર્ય કરી ધન્યતાની લાગણીનો અહેસાસ કરે છે. ત્રણ ગામની સીમમાં કુદરતી વાતાવરણની વચ્ચે આવેલા વાળીનાથ મહાદેવજીના મંદિરે સવારે અને સાંજે કરવામાં આવતી આરતીના સમયે થતા ઘંટનાદ અને નગારાના રણકારથી મંદિરની આજુબાજુનું વાતાવરણ સકારાત્મક તરંગોથી ગુંજી ઉઠે છે. ત્રણેય ગામના લોકો આરતીમાં જોડાય છે અને મહાદેવજીના દર્શન કરી ધન્ય થાય છે.