કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ 2025-26 શૈક્ષણિક સત્ર માટે ધોરણ 9, 10, 11 અને 12ના વિદ્યાર્થીઓનો નવો અભ્યાસક્રમ જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો નવો અભ્યાસક્રમ સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ cbseacademic.nic.in જોઈ શકશે. CBSEના એકેડેમિક ડિરેક્ટર ડૉ.પ્રજ્ઞા એમ.સિંહે કહ્યું કે, ‘નવા આ અભ્યાસક્રમ શૈક્ષણિક સામગ્રી, પરીક્ષા માટેનો અભ્યાસક્રમ, શીખવાના પરિણામો, ભલામણ કરેલ શૈક્ષણિક પ્રથાઓ અને મૂલ્યાંકન માળખા પર વિગતવાર દિશા-નિર્દેશ જાહેર કરાયા છે.’
નવા અભ્યાસક્રમમાં વિશેષ શું છે?
સીબીએસઈએ શાળાઓને અભ્યાસક્રમની માર્ગદર્શિકાઓનું પાલન કરવા અને વિદ્યાર્થીઓની જ્ઞાનાત્મક સમજ વધારવા માટે પ્રાયોગિક શિક્ષણ, કૌશલ્ય-આધારિત મૂલ્યાંકન અને આંતરશાખાકીય અભિગમને એકીકૃત કરવા નિર્દેશ આપ્યો છે. શાળાઓને રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) 2023 હેઠળ શિક્ષણની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે યોગ્ય શિક્ષણ પદ્ધતિઓ અપનાવવા તેમજ પ્રોજેક્ટ-આધારિત શિક્ષણ, તપાસ-સંચાલિત અભિગમ અને તકનીકી શિક્ષણના પ્રોત્સાહન પર ધ્યાન કેન્દ્રિત કરવા કહેવામાં આવ્યું છે.
વર્ષમાં બે વખત યોજાશે બોર્ડ પરીક્ષા
સીબીએસઈએ 2026થી ધોરણ-10ના વિદ્યાર્થીઓ વર્ષમાં માટે બે વખત પરીક્ષાનું આયોજન કરવા માટે ડ્રાફ્ટ જારી કર્યો છે. જો આ વ્યવસ્થા લાગુ થઈ જશે તો આ બાબત વર્તમાન શૈક્ષણિક સિસ્ટમમાં અનેક મહત્ત્વના ફેરફારનું કારણ બની શકે છે. નવી વ્યવસ્થા બાદ પાસ થયા બાદ પ્રમાણપત્ર જારી કરવામાં નહીં આવે અને જો વિદ્યાર્થી બીજી પરીક્ષામાં ગેરહાજર ન રહે તો તેઓ ડિગી લૉકર્સના માધ્યમથી પ્રદર્શનના આધારે ધોરણ-11માં પ્રવેશ લેવા માટે પ્રયાસ કરી શકશે. બીજી પરીક્ષા આપ્યા બાદ જ સર્ટિફિકેટ આપવામાં આવશે. જો વર્ષમાં બે વખત પરીક્ષાનો નિયમ લાગુ થઈ જશે તો ધોરણ-10ની બોર્ડ પરીક્ષાની ફીમાં વધારો કરવામાં આવશે. આ ઉપરાંત શાળાઓએ પરીક્ષા માટે ઉમેદવારોની યાજી જમા કરવવાની રહેશે.
પ્રેક્ટિકલ અને મૂલ્યાંકન માટેના નિયમો પણ નક્કી કરાયા
નવી વ્યવસ્થા હેઠળ બોર્ડ દ્વારા માત્ર એક જ પ્રેક્ટિકલ પરીક્ષા/આંતરિક મૂલ્યાંકન કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી પ્રથમ પરીક્ષામાં નાપાસ થાય તો તેને ધોરણ-12માં કામચલાઉ પ્રવેશ મળી શકશે, પરંતુ તેમનો પ્રવેશ બીજી પરીક્ષાના પરિણામના આધારે નક્કી કરવામાં આવશે.
અભ્યાસક્રમ આવી રીતે કરો ડાઉનલોડ
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ www.cbse.gov.in પર જાઓ.
- શૈક્ષણિક વેબસાઇટનો વિકલ્પ પસંદ કરો.
- ‘શૈક્ષણિક’ વિભાગમાં અભ્યાસક્રમની લિંક પર ક્લિક કરો.
- નોટિસની PDF સ્ક્રીન પર ખુલશે, તેમાં કોર્સની લિંક પર ક્લિક કરો.
- ધોરણ-9-10 અથવા ધોરણ-11-12 ના વિકલ્પ પર ક્લિક કરો.
- અભ્યાસક્રમના પેજ ખુલશે, જેને ધ્યાનથી વાંચો
- તમે અભ્યાસક્રમની પ્રિન્ટ આઉટ લઈ શકો છો અને તેને રાખી શકો છો.