ધોળકાના કોઠ ગામ પાસે ગણપતિજીનું ભવ્ય મંદિર, ધોળકા શહેરથી વીસ અને અમદાવાદથી સાંઈઠ કિલોમીટરના અંતરે આવેલુ છે. ગણેશપુરા નામથી પ્રસિદ્ધ મંદિરમાં એક દંતી, જમણી સૂંઢવાળી અને છ ફૂટ ઉંચાઈ ધરાવતી ગણપતિદાદાની સ્વયંભૂ મુર્તિ બિરાજમાન છે. વિક્રમ સંવત 933ના અષાઢ વદ ચોથના દિવસે હાથેલ ગામની જમીનના ખોદકામ સમયે ગણપતિદાદાની મૂર્તિ પગમાં સોનાના તોડા, કાનમાં કુંડળ, માથે મુગટ તથા કેડે કંદોરા સાથે પ્રગટ થઇ હતી.
ગણપતિપુરા મંદિરનો ઈતિહાસ જોઈએ તો હજારો વર્ષ પહેલા કોઠથી પંદર કિલોમીટરના અંતરે આવેલા હાથેલ ગામના ખેતરને મોટુ કરવા માટે ઝાડી ઝાખળા કાઢી ખોદકામ ચાલતુ હતુ ત્યારે ખોદકામ કરવાના સાધન સાથે એક પત્થર ટકરાયો હતો. તે પત્થરને કાઢવા થોડુ વધારે ખોદકામ કર્યુ તો તે પત્થરનો આકાર ચંદ્રમા જેવો લાગ્યો એટલે ખોદકામ કરતા લોકોને થયું કે આ પત્થર ચંદ્ર આકારનો છે તો જરુર કોઈ ભગવાનની મુર્તિ હોઈ શકે. ખોદકામ કરનારાઓનું અનુમાન સાચુ નીકળ્યુ અને જમીનમાંથી ગણપતિજીની જમણી તરફની સૂંઢવાળી મુર્તિ નીકળી હતી અને જમણી સૂંઢવાળા ગણેશજી એટલે સિદ્ધિ વિનાયક ગણપતિજી. જે ખેડૂતના ખેતરમાંથી મુર્તિ નીકળી તેણે આજુબાજુના ગામના મુખીઓને જાણ કરી. દરેક મુખી તે સ્થળે આવ્યા અને મુર્તિ લઈ જવા વિખવાદ થયો એટલે ખેતર માલિકે તેમને સૂચન કર્યુ કે ગણપતિદાદાની મુર્તિને બળદગાડામાં બેસાડીએ અને બળદ, ગાડાને જ્યાં લઈ જાય ત્યાં મુર્તિનું સ્થાપન કરવું, ખેડૂતના સૂચન સાથે સૌ મુખી તૈયાર થયા
હાલ જ્યાં ગણપતિ મંદિર છે ત્યાં તે સમયે જંગલ વિસ્તાર હતો અને લોકોની અવર જવર પણ ઓછી હતી એટલે ગણપતિદાદાના મંદિરે ઓછા લોકો દર્શને આવતા હતા. જેમ જેમ મંદિરની આજુબાજુના વિસ્તારનો વિકાસ થયો તેમ તેમ દર્શનાર્થીઓની સંખ્યામાં પણ વધારે થતો ગયો અને વર્તમાનમાં ગણેશજીના આ મંદિરે અસંખ્ય શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના લઈ મંદિરે દર્શન કરવા આવે છે.
ગણપતિદાદાનો પ્રિય પ્રસાદ મોદક છે પણ ગણેશપુરા મંદિરમાં દાદાને ચુરમા અને બુંદીના લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે. દાદાના સાનિધ્યમાં મનોકામના લઈને આવતા અનેક શ્રદ્ધાળુઓ દાદા પાસે પોતાની મનોકામના વ્યક્ત કરે, ત્યારે સાથિયો કરે છે. શ્રદ્ધાળુ પોતાના મનોવાંચ્છિત ફળ માટે પહેલા ઉંધો સાથિયો બનાવે છે અને જ્યારે તેમની મનોકામના પૂર્ણ થાય ત્યારે દાદાના મંદિરે ફરી દર્શન કરવા આવીને સીધો સાથિયો બનાવી દાદાનો આભાર માને છે.
ભાદરવા મહિનામાં મંદિરે ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ચોથના દિવસે દાદાની મુર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. દસ દિવસ સુધી ગણપતિદાદાના મંદિરે યજ્ઞ હવન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભક્તો દાદાની ભક્તિમાં ગળાડૂબ રહી ભજન કીર્તન કરી ધન્ય થાય છે. ચૌદસના દિવસે સવારે ગણપતિદાદાનો ભવ્ય વરઘોડો મંદિરથી થોડે અંતરે આવેલા કોઠ ગામમાં ફરી સાંજે ચાર વાગે તળાવે પહોંચે છે જ્યાં ગણપતિજીનું વિસર્જન કરવામાં આવે છે.
સંકટ ચતૃર્થીએ ગણપતિદાદાના દર્શને લાખો ભાવિક ભક્તો આવે છે. પુર્વ દિશામાં ચંદ્રનો ઉદય ના થાય ત્યાં સુધી મંદિર ખુલ્લુ રહે છે અને ચંદ્રની આરતી થઈ જાય પછી ગણપતિદાદાને ભોગ ધરાવવામાં આવે છે આ દિવસે મંદિરે આવતા ભાવિક ભક્તોને મોરૈયો અને કઢીનો પ્રસાદ આપવામાં આવે છે જેનો લાભ લઈ લાખો ભક્તો ધન્યતાનો અહેસાસ કરે છે.
મંદિરે આવતા ભાવિકો માટે મંદિર પ્રશાસને અન્નક્ષેત્ર ચાલુ કર્યુ જેનો લાભ મંદિરે આવતા દરેક ભાવિકોને મળે છે દૂરદૂરથી દર્શને આવતા શ્રદ્ધાળુઓ ગણપતિજીના દર્શન કરી મંદિર પરિસરમાં ચાલતા અન્નક્ષેત્રમાં ભોજનનો પ્રસાદ લઈ ધન્યતાનો અહેસાસ કરે છે.
દાદાના મંદિરે ચોથનું આગવુ મહત્વ છે. દર મહિનાની વદ ચોથના દિવસે અનેક શ્રદ્ધાળુઓ ગણપતિદાદાના દર્શને આવે છે. ગણપતિ મંદિરે ચોથના દિવસે ગુજરાત અને બહારના રાજ્યોમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરી ધન્ય થઈ નવી ઉર્જાનો સંચાર લઈ ઘરે જાય છે.