ભારતીય રિઝર્વ બેંકે ક્લીન નોટ પોલિસી હેઠળ તાજેતરમાં જ 2000 રૂપિયાની નોટોનો પરત લેવાની જાહેરાત કરી છે. ત્યારબાદ તમામ બેંકોને 2000 રૂપિયાની નોટો બદલવા અને જમા કરાવવા માટે ચાર મહિનાનો (30 સપ્ટેમ્બર સુધી) સમય અપાયો છે. તમે એકવારમાં 2000ની 10 નોટો એટલે કે 20 હજાર રૂપિયા સુધીની નોટોને અન્ય નોટોમાં બદલાવી શકો છો. દરમિયાન જ્યારથી આ નિર્ણય કરાયો છે ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે, શું 2000ની નોટ પરત લેવાયા બાદ RBI ફરી 1000 રૂપિયાની નવી નોટો જારી કરશે ?
દેશભરની બેંકોમાં 2000 રૂપિયાની નોટો પરત લેવાની કામગીરી શરૂ થઈ ગઈ છે, ત્યારે સરકાર 1000 રૂપિયાની નવી નોટો જારી કરશે કે નહીં ? તેવી ચર્ચાએ માર્કેટમાં જોર પકડ્યું છે. આ પ્રકારની વાતો સોશિયલ મીડિયા પર પણ જોરશોરથી થઈ રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર 2000 રૂપિયાની નોટો બંધ કરીને 1000 રૂપિયાની નવી નોટો લાવશે. દરમિયાન આવી વહેતી વાતો અંગે RBI ગર્વનર શક્તિકાંત દાસે મોટી જાણકારી આપી છે.
આ સવાલના જવાબમાં આરબીઆઈ ગર્વનરે કહ્યું કે, હાલ 1000 રૂપિયાની નવી નોટ લાવવાનો કોઈ પ્રસ્તાવ નથી, આ માત્ર અફવાઓ છે. તેમણે કહ્યું કે, હાલ અન્ય મૂલ્યોની નોટો બજારમાં પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. જ્યારે હાલ 2000 રૂપિયાની નવી નોટ લીગલ ટેન્ડર રહેશે. તમારી પાસે 30 સપ્ટેમ્બર સુધી નોટો એક્સચેન્જ કરવાની તક છે. આવી સ્થિતિમાં તમે બેંકમાં ભીડ ન કરશો. તમારી પાસે 4 મહિનાનો સમય છે.
RBIએ 1000 રૂપિયાની નવી નોટ જારી કરવાની અફવા પર પૂર્ણવિરામ મુકી દીધું છે. આ સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે 2000ની નોટો પાછી ખેંચી લીધા બાદ હવે માત્ર 500 રૂપિયાની નોટ જ દેશની સૌથી મોટી બેંક નોટ હશે. તમને જણાવી દઈએ કે નવેમ્બર 2016માં 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી, ત્યારબાદ 200, 500 અને 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવી હતી.