માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે સત્તાવાર ધોરણે 1 મે, 2025થી FASTag સુવિધાઓ બંધ થઈ જવાની તેમજ તેના સ્થાને સેટેલાઈટ આધારિત જીપીએસ ટોલ કલેક્શનના અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે. મંત્રાલયે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચિત જીપીએસ આધારિત જીએનએસએસ ટોલ કલેક્શનની વાતો પર સ્પષ્ટતા કરતાં માહિતી આપી છે કે, હાલ આવી કોઈ યોજના નથી.
મંત્રાલયે જણાવ્યું કે, હાલ દેશભરમાં ક્યાંય સેટેલાઈટ આધારિત ટોલ કલેક્શન સુવિધા લાગુ કરવાની યોજના નથી. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય તથા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી. 1 મે, 2025થી FASTag સુવિધાઓ બંધ થવાના અહેવાલો પાયાવિહોણા છે.
ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નિશન ટેક્નોલોજી પર ફોકસ
સરકારે પરિપત્રમાં જણાવ્યું હતું કે, સરકાર નવું પડકારમુક્ત ટોલિંગ મિકેનિઝ્મ અપનાવવા વિચારણા કરી રહી છે. જેમાં તે વર્તમાન FASTag ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નિશન (ANPR) ટેક્નોલોજી સાથે એકીકૃત કરવા પર ફોકસ કરી રહી છે. આ એડવાન્સ સિસ્ટમની મદદથી ટોલ પ્લાઝા પર કોઈપણ પ્રકારનો સમય વેડફ્યા વિના સીમલેસ વ્હિકલ મુવમેન્ટ થઈ શકશે. જેનાથી સમયની બચત અને ટ્રાફિકમાં ઘટાડો થશે. ANPR-FASTag સિસ્ટમ હાઈ-રિઝોલ્યુશન કેમેરા સાથે જોડવામાં આવશે. જે દૂરથી આવતી ગાડીની નંબર પ્લેટ વાંચી FASTagને ઓટોમેટિક ટોલ ટેક્સ વસૂલવા આદેશ આપશે. આ મોડલ હેઠળ વાહનોએ ટોલ બુથમાં રોકાવાની જરૂર પડશે નહીં. અને ઝડપથી ટોલ ટેક્સ ચૂકવાશે.
FASTag સસ્પેન્ડ થઈ શકે છે
મંત્રાલયે જણાવ્યું હતું કે, અમે ટોલની ચૂકવણીમાં નિષ્ફળ રહેનારા મોટોરિસ્ટને ઈ-નોટિસ પાઠવીશું. ટોલની ચૂકવણીના નિયમોનો ભંગ કરનારાનું FASTag સસ્પેન્ડ પણ થઈ શકે છે. તેમજ VAHAN સિસ્ટમ હેઠળ અન્ય દંડની જોગવાઈઓનો સામનો પણ કરવો પડશે.
NHAI એ ANPR-FASTag સિસ્ટમના અમલીકરણ માટે બિડ્સ આમંત્રિત કર્યા છે. સરકાર આ સિસ્ટમના પર્ફોર્મન્સ, અસરકારકતા અને યુઝરના ફીડબેકના આધારે સત્તાવાર ધોરણે લાગુ કરશે. ત્યાં સુધી દેશભરના તમામ ટોલ પ્લાઝા પર વર્તમાન FASTag સિસ્ટમ ચાલુ રહેશે. FASTag યુઝર્સને યુપીઆઈ, નેટ બેન્કિંગ, અને મોબાઈલ એપ્સ સહિતની વિવિધ પેમેન્ટ ચેનલ્સ મારફત બેલેન્સ રાખવા અપીલ પણ કરી છે. જેથી દંડનો ભોગ બનતાં અટકી શકે.