ભારતમાં યુવા અને વૃદ્ધો મધ્યમ વર્ગના લોકોની તુલનામાં વધુ સમૃદ્ધ બની રહ્યા છે. અને તેઓ આ લોકોની તુલનામાં સારું જીવન જીવે છે. 22 દેશોના બે લાખથી વધુ લોકો પર કરવામાં કરવામાં આવેલા અભ્યાસમાં આ ખુલાસો થયો છે.
અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી અને જર્મનીની બ્રેમેન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલ ગ્લોબલ ફ્લોરિશિંગ સ્ટડીનો હેતુ વ્યક્તિઓ અને સમુદાયોના કલ્યાણને નિયંત્રિત કરતા પરિબળોને સમજવાનો છે. સમૃદ્ધિને એવી સ્થિતિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે, જેમાં વ્યક્તિના જીવનના તમામ પાસાઓ સારા હોય છે. આ અભ્યાસના તારણો નેચર જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
ભારત, ઈજિપ્ત, કેન્યા અને જાપાનમાં U આકારની પેટર્ન
સંશોધકોએ જણાવ્યું કે, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, સ્વીડન અને અમેરિકા સહિત ઘણા દેશોમાં ઉંમર સાથે વિકાસની પ્રવૃતિ વધે છે, પરંતુ બધા દેશોમાં આવું નથી. ભારત, ઈજિપ્ત, કેન્યા અને જાપાનમાં પેટર્ન કંઈક અંશે U-આકારના છે. લોકોને સુખાકારીના પાસાઓ જેમ કે ખુશી, સ્વાસ્થ્ય, અર્થ અને સંબંધોની સાથે-સાથે વસતી વિષયક, સામાજિક, રાજકીય, ધાર્મિક પરિબળો અને બાળપણના અનુભવો વિશે પૂછવામાં આવ્યું હતું. વિશ્વભરમાં પુરુષો અને મહિલાઓએ સમાન પેટર્નની સૂચના આપી.
પરિણીત લોકો અપરિણીત લોકો કરતાં વધુ સમૃદ્ધ
મોટાભાગના દેશોમાં પરિણીત લોકો અપરિણીત લોકો કરતાં વધુ સમૃદ્ધ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ભારત અને તાન્ઝાનિયામાં પરિણીત લોકોની સમૃદ્ધિ અપરિણીત લોકો કરતા ઓછી જોવા મળી છે. રિસર્ચમાં નોકરી કરતા લોકો નોકરી ન કરતા લોકો કરતા વધુ ખુશ જોવા મળ્યા. ભારત, જાપાન, ઈઝરાયલ વગેરેમાં નોકરી કરતા લોકો કરતાં સ્વ-રોજગાર ધરાવતા, નિવૃત્ત લોકો અને વિદ્યાર્થીઓ વધુ સંતુષ્ટ હોવાનું જાણવા મળ્યું. સંશોધકોએ એ પણ શોધી કાઢ્યું કે વિશ્વભરના યુવાનો પહેલા જેટલું સારું પ્રદર્શન નથી કરી રહ્યા.