સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત હરીશ પુરી, ‘સશસ્ત્ર સંઘર્ષમાં નાગરિકોનું રક્ષણ’ વિષય પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ખુલ્લી ચર્ચામાં બોલી રહ્યા હતા, જેમાં સંઘર્ષ વિસ્તારોમાં નાગરિકો, માનવતાવાદી કાર્યકરો, પત્રકારો અને સંયુક્ત રાષ્ટ્રના કર્મચારીઓ માટેના જોખમો જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. દરમ્યાન ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢી અને તેના જુઠ્ઠાણાને ખુલ્લા પાડ્યા. આતંકવાદ પર પાકિસ્તાનના ઉપદેશ પછી ભારતે યોગ્ય જવાબ આપ્યો અને કહ્યું કે પાકિસ્તાન એક એવો દેશ છે જે નાગરિકો અને આતંકવાદીઓ વચ્ચે ભેદ પાડતો નથી. નાગરિકોની સુરક્ષા અંગેની ચર્ચામાં પાકિસ્તાનની ભાગીદારી આંતરરાષ્ટ્રીય સમુદાયનું અપમાન છે.
હરીશ પુરીએ કહ્યું પાકિસ્તાનના પ્રતિનિધિ દ્વારા ઘણા મુદ્દાઓ પર લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપોનો જવાબ આપવા માટે હું મજબૂર છું.’ સૌ પ્રથમ, ભારત દાયકાઓથી તેની સરહદો પર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી હુમલાઓનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું, ‘આવા દેશ માટે નાગરિકોની સુરક્ષા પર ચર્ચામાં ભાગ લેવો એ આંતરરાષ્ટ્રીય સમુદાયનું અપમાન છે.’ જે દેશ આતંકવાદીઓ અને નાગરિકો વચ્ચે ભેદ પાડતો નથી તેને નાગરિકોની સુરક્ષા વિશે બોલવાનો કોઈ અધિકાર નથી.
તાજેતરની એક ઘટનાનો ઉલ્લેખ કરતા પુરીએ આરોપ લગાવ્યો કે પાકિસ્તાની સેનાએ આ મહિનાની શરૂઆતમાં જાણી જોઈને ભારતીય સરહદી ગામડાઓને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું, ‘આ હુમલામાં 20 થી વધુ નાગરિકો માર્યા ગયા અને 80 થી વધુ ઘાયલ થયા.’ ગુરુદ્વારા, મંદિરો અને કોન્વેન્ટ્સ તેમજ આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલો સહિતના પૂજા સ્થળોને ઇરાદાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા હતા. આવા કાર્યો કર્યા પછી આ મંચ પર ઉપદેશ આપવો એ પાખંડ છે.
હરીશ પુરીએ કહ્યું કે ભારત દાયકાઓથી તેની સરહદો પર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી હુમલાઓનો ભોગ બનતું આવ્યું છે, જેમાં મુંબઈ શહેર પર 26/11 ના ભયાનક હુમલાથી લઈને એપ્રિલ 2025 માં પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓની ક્રૂર સામૂહિક હત્યાનો સમાવેશ થાય છે. પાકિસ્તાની આતંકવાદનો ભોગ બનેલા લોકો મુખ્યત્વે નાગરિકો રહ્યા છે, કારણ કે તેનો ઉદ્દેશ્ય આપણી સમૃદ્ધિ, પ્રગતિ અને મનોબળ પર હુમલો કરવાનો રહ્યો છે.