જામનગરમાં દારૂની ગુતરેલી હેરાફેરી સામે એલસીબીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ગોકુલ નગર નજીક આવેલી સીતારામ સોસાયટીની શેરી નંબર-1માં આવેલ એક રહેણાંક મકાનમાં ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે તેવી ચોક્કસ બાતમીના આધારે જામનગર એલસીબીની ટુકડીએ મોડી રાત્રે દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન મકાનમાંથી જુદી-જુદી બ્રાન્ડની 300 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીઓ મળી આવી હતી, જેને પોલીસે કબજે લીધી છે. કબજામાં લેવાયેલા દારૂની બજાર કિંમત આશરે રૂ. 1,97,400 દર્શાવવામાં આવી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો સાગર પાલાભાઈ કરમુર નામના શખ્સે બહારથી લાવી પોતાના ઘરમાં ઉતાર્યો હતો અને તેનો ખાનગી વેચાણનો ધંધો ચલાવી રહ્યો હતો. જોકે, પોલીસના દરોડા દરમિયાન સાગર કરમુર ઘરેથી ફરાર થઈ ગયો, જેને હાલ ફરારી જાહેર કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ સમગ્ર કિસ્સો જામનગર શહેરમાં ગેરકાયદેસર દારૂ વેચાણની ચાલતી પ્રવૃત્તિઓ સામે તંત્રે લીધેલી વધુ એક કડક કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરી છે અને દારૂ સપ્લાય કરવાની ચેનમાં સંડોવાયેલા અન્ય શખ્સોની તપાસ પણ હાથ ધરી છે.