પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગત રાતે જામનગર પધાર્યા હતા, જ્યાં શહેરવાસીઓએ તેમનું ભવ્ય અને ભાવભર્યું સ્વાગત કર્યું હતું. તેમના આગમનને વધાવવા માટે હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. પ્રધાનમંત્રીએ શહેરના ઐતિહાસિક લાલ બંગલો સર્કલ ખાતે વિશાળ જનસભાને સંબોધન કરીને લોકોમાં ઉમંગ અને ઉત્સાહ ભરી દીધો હતો.
સાંસ્કૃતિક કાર્યક્રમોથી જામનગર ઝૂમી ઉઠ્યું
આ પ્રસંગે ગુજરાતની લોકસંસ્કૃતિનું અદભૂત દર્શન થયું હતું. લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી અને તેમની ટીમ દ્વારા ભવ્ય લોકડાયરો રજૂ કરવામાં આવ્યો હતો, જેને ઉપસ્થિત જનમેદનીએ ભારે ઉત્સાહ સાથે માણ્યો હતો.
સૌરાષ્ટ્રની પ્રખ્યાત રાસ મંડળીઓએ મણિયારો રાસ, સિદી ધમાલ અને હુડો રાસ જેવી પરંપરાગત નૃત્ય પ્રસ્તુતિઓ આપી હતી. આ રંગબેરંગી કાર્યક્રમોએ સમગ્ર વાતાવરણને સાંસ્કૃતિક મહોત્સવમાં ફેરવી દીધું હતું.
આગેવાનો અને મંત્રીઓની ઉપસ્થિતિ
પ્રધાનમંત્રીના સ્વાગત માટે રાજ્યના અનેક મંત્રીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. તેમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને જામનગર મહાનગરના પ્રભારી ધનસુખ ભંડેરી સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે.
આજે સોમનાથમાં ‘અમૃત પર્વ’ની ભવ્ય ઉજવણી
જામનગર મુલાકાત બાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે યોજાનારા ‘સોમનાથ અમૃત પર્વ’ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં તેમની ઉપસ્થિતિને કારણે સમગ્ર ગુજરાતમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel