અમદાવાદના ખોખરામાં થયેલી આ દુર્ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકુ મારી હત્યા કરી હોવાની ઘટનાએ માત્ર શાળા જ નહીં પરંતુ સમગ્ર સમાજમાં ગુસ્સો અને ચિંતા ફેલાવી દીધી છે. મળતી માહિતી મુજબ, નાની ધક્કામુક્કી જેવી સામાન્ય બાબત પરથી બંને વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર વધી હતી અને ત્યારબાદ હુમલાખોરે અચાનક ચાકુ કાઢીને મોટા વિદ્યાર્થીના પેટમાં ઘોંપી દીધો હતો. હુમલો એટલો અચાનક અને ભયાનક હતો કે શાળાના વાતાવરણમાં અફરાતફરી મચી ગઈ હતી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ચાકુ માર્યા બાદ હુમલાખોર તો તુરંત સ્થળ પરથી ભાગી ગયો હતો, પરંતુ ઘાયલ વિદ્યાર્થી જમીન પર લોહીલુહાણ હાલતમાં પડીને તડફડવા લાગ્યો હતો. સૌથી ચિંતાજનક બાબત એ છે કે લગભગ 30 મિનિટ સુધી આ વિદ્યાર્થી તડફડતો રહ્યો, છતાંય શાળાના સિક્યોરિટી ગાર્ડ કે સ્ટાફમાંથી કોઈએ આગળ આવીને તેને બચાવવાનો પ્રયત્ન કર્યો ન હતો. હાજર વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, ત્યાં અનેક ફેકલ્ટી સભ્યો અને સિક્યોરિટી ગાર્ડ હાજર હોવા છતાં બધા નિષ્ક્રિય ઊભા રહીને જોતા રહ્યા. તે દરમ્યાન ઘાયલ વિદ્યાર્થીનું લોહી સતત વહી રહ્યું હતું અને તેની તબિયત બગડતી જતી હતી.
અન્ય વિદ્યાર્થીઓએ ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, જો શાળાનું સ્ટાફ તરત જ મદદે આવ્યું હોત કે એમ્બ્યુલન્સ બોલાવી હોત, તો કદાચ વિદ્યાર્થીનું પ્રાણ બચી શક્યું હોત. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, “હું અને મારા મિત્રો તરત ત્યાં દોડી ગયા અને અમારી જાતે જ તેને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ ગયા. પરંતુ ગાર્ડ્સ અને શિક્ષકો માત્ર ઊભા ઊભા જોતા રહ્યા. જો તેઓ મદદે આવ્યા હોત તો પરિસ્થિતિ અલગ હોઈ શકી હોત.” બાદમાં આ વિદ્યાર્થીને સરદાર પટેલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ભારે લોહી નીકળવાથી તેનું મૃત્યુ થયું.
આ ઘટનાના પગલે મૃતકના પરિવારજનો અને સમાજના લોકોએ ગુસ્સે ચડીને શાળામાં ઘૂસીને પ્રિન્સિપાલ અને સ્ટાફ પર હુમલો કર્યો હતો અને તોડફોડ પણ કરી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે. લોકોમાં આ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, શાળાની અંદર સિક્યોરિટી અને સંવેદનશીલ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટેની વ્યવસ્થા ક્યાં છે? વિદ્યાર્થીઓના આરોપો બાદ શાળા પ્રબંધન પર ગંભીર સવાલો ઉભા થયા છે કે તેઓએ સમયસર કોઈ પગલા કેમ નહીં લીધા અને કેમ એક નિર્દોષ વિદ્યાર્થીનું જીવન બચાવવા યોગ્ય પ્રયત્નો ન થયા.
આ ઘટના માત્ર એક વિદ્યાર્થીના જીવનનો અંત નથી લાવતી, પરંતુ શૈક્ષણિક સંસ્થાઓની જવાબદારી અને સુરક્ષાના માળખા પર પણ મોટો પ્રશ્નચિન્હ મૂકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel