ટ્રમ્પના ટેરિફ બોમ્બ વચ્ચે ભારત સરકારે કોટનની ડ્યુટી-ફ્રી ઈમ્પોર્ટને વધુ ત્રણ મહિના, એટલે કે 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવાનો મોટો નિર્ણય લીધો છે. અમેરિકાએ તાજેતરમાં ભારતમાંથી આયાત થતા કપડા પર 50% જેટલો ટેરિફ લગાવ્યો છે, જેના કારણે ભારતીય ટેક્સટાઈલ ઉદ્યોગ ભારે દબાણમાં આવી ગયો છે. આ વધારાની ડ્યુટીનું મુખ્ય કારણ ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાનું અને અમેરિકન ઉત્પાદનો માટે પોતાના બજારને સંપૂર્ણ રીતે ન ખોલવાનું હોવાનું માનવામાં આવે છે. આ પરિસ્થિતિમાં ભારત સરકાર માને છે કે ડ્યુટી-ફ્રી કોટન આયાત સ્થાનિક કાપડ મિલો અને ઉદ્યોગોને ઓછા ખર્ચે કાચો માલ ઉપલબ્ધ કરાવશે, જેના કારણે અમેરિકન ટેરિફની અસર અમુક હદે ઘટાડી શકાશે.
ભારતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીનું મહત્વ PIBના આંકડા પરથી સમજાય છે. અંદાજે 350 અબજ ડોલરના આ ઉદ્યોગમાં 4.5 કરોડથી વધુ લોકો સીધા સંકળાયેલા છે, જે કૃષિ પછીનો સૌથી મોટો રોજગાર આપતો ક્ષેત્ર છે. વર્ષ 2023-24માં ભારતે લગભગ 34.4 બિલિયન ડોલરના કાપડની નિકાસ કરી હતી. પરંતુ અમેરિકન ટેરિફ લાગવાથી આ નિકાસને મોટો ઝટકો લાગી શકે છે. જો કે, સરકારના નવા પગલાં હેઠળ કાપડ મિલોના ખર્ચમાં ઘટાડો થશે, યાર્ન અને કપડાં સસ્તા થશે અને ભારત વૈશ્વિક બજારમાં પોતાની સ્પર્ધાત્મકતા જાળવી શકશે.
આ નિર્ણય માત્ર આર્થિક જ નહીં પરંતુ વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી પણ મહત્વનો છે. ભારતે અમેરિકન દબાણ છતાં પોતાના ઉદ્યોગોને સુરક્ષિત રાખવા માટે પગલું ભર્યું છે. સાથે જ તેણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે હવે પોતાના નિકાસ બજારોમાં વૈવિધ્ય લાવશે. બ્રિટન, જાપાન, યુરોપ અને એશિયા જેવા નવા બજારોમાં પ્રવેશ વધારવા માટે સરકારે પહેલેથી જ વ્યૂહરચના બનાવી છે. આ માટે 40 દેશોમાં કાપડ નિકાસ વધારવા માટે અલગ-અલગ યોજના તૈયાર કરવામાં આવી છે. આ રીતે ભારતનો નિર્ણય માત્ર ટૂંકા ગાળાની રાહત પૂરતો જ નહીં પરંતુ લાંબા ગાળાના આર્થિક અને રાજનૈતિક હિતોને ધ્યાનમાં રાખીને લેવાયો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel