અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં હલચલ મચાવી છે. આ ચકચારી બનાવ બાદ વાલીઓમાં ભારે ભય અને રોષ જોવા મળી રહ્યો છે. તેમના બાળકોની સુરક્ષા સૌથી મોટી ચિંતા બનતાં છેલ્લા ત્રણ દિવસમાં 100થી વધુ વાલીઓએ પોતાના બાળકોનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) કઢાવવા માટે અરજી કરી છે. આ સ્થિતિને ગંભીરતાથી લઈ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ ન પડે તે માટે વચગાળાના પગલાં લીધા છે. DEO કચેરીના ચાર અધિકારીઓની ખાસ ટીમ બનાવીને સ્કૂલમાં જ તૈનાત કરવામાં આવી છે. આ ટીમનું કામ વાલીઓના પ્રશ્નો સાંભળીને ઉકેલ લાવવાનું તેમજ અન્ય શાળામાં એડમિશન લેવા ઇચ્છુક વાલીઓને જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડવાનું રહેશે.
સાથે જ, એક મહત્વપૂર્ણ નિર્ણય અંતર્ગત હવે LC વિના પણ પ્રોવિઝનલ એડમિશન આપવામાં આવશે જેથી વિદ્યાર્થીઓનું અભ્યાસ અટકાય નહીં. મણિનગર અને આસપાસની શાળાઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ સેવન્થ ડે સ્કૂલમાંથી આવનારા વિદ્યાર્થીઓને સહેલાઈથી પ્રવેશ આપે. વાલીઓ હવે સીધા DEO કચેરીના અધિકારીઓનો સંપર્ક કરીને પોતાના બાળકોને બીજી શાળામાં સરળતાથી દાખલ કરાવી શકે છે.
ઘટનાની વાત કરીએ તો, ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ થોડા દિવસ પહેલાં થયેલી ઝઘડાની અદાવત રાખીને 7-8 મિત્રો સાથે મળીને ધોરણ-10ના વિદ્યાર્થી પર સ્કૂલ બાદ ચપ્પાથી હુમલો કર્યો હતો. પીડિત વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થઈ ગયો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું. આ ઘટનાએ સમગ્ર શૈક્ષણિક માહોલમાં અસુરક્ષાની લાગણી ફેલાવી છે. વાલીઓ હવે પોતાની સંતાનોની સલામતી સુનિશ્ચિત કરવા તાત્કાલિક પગલાં લઈ રહ્યા છે, જ્યારે શિક્ષણ વિભાગ પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયત્નશીલ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel