અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો સામે મ્યુનિસિપલ તંત્રની કાર્યવાહી સતત ચાલુ છે અને તેના ભાગરૂપે આજે શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા કમલ (ઉમલા) તળાવ પાસે મોટાપાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સવારથી શરૂ કરાયેલી આ મેગા ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન તળાવની જમીન પર આવેલા અંદાજે 150 જેટલા ગેરકાયદેસર મકાનો અને દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગે ભારે પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો અને અનેક પરિવારો અચાનક બેઘર બન્યા.
વર્ષોથી અહીં વસવાટ કરતા સ્થાનિક રહીશો માટે આ કાર્યવાહી ભારે આઘાતરૂપ સાબિત થઈ છે. પોતાના ઘર આંખ સામે તૂટતાં જોઈ મહિલાઓ, બાળકો અને વૃદ્ધો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. સ્થાનિકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો હતો. અસરગ્રસ્ત લોકોએ તંત્ર સામે માગ કરી હતી કે જો તેમના મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે, તો તેમને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે સરકાર અન્યત્ર વસવાટની યોગ્ય વ્યવસ્થા કરે તો તેઓ સ્થળ ખાલી કરવા તૈયાર છે, પરંતુ કોઈ પૂર્વ વ્યવસ્થા વિના ઘર તોડી નાખવામાં આવતા તેમની હાલત દયનીય બની ગઈ છે.
ડિમોલિશન દરમિયાન સંવેદનશીલતા દાખવતા AMCએ કમલ તળાવડી વિસ્તારમાં આવેલા ખોડિયાર માતાના મંદિરને હાલ પૂરતું અડખે રાખવાનો નિર્ણય લીધો છે. મંદિરને તોડી પાડવામાં આવ્યું નથી અને તેની કાર્યવાહી હાલ માટે મુલતવી રાખવામાં આવી છે. જોકે મંદિરની બાજુમાં આવેલું એક વિશાળ બે માળનું બંગલો, જેને સ્થાનિકો તળાવ વિસ્તારનું સૌથી મોટું ગેરકાયદેસર બાંધકામ ગણાવતા હતા, તે ડિમોલિશન દરમિયાન ખાસ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ બંગલાને તોડવા માટે કોર્પોરેશનની ટીમને ખાસ મહેનત કરવી પડી હતી.
સ્થળ પર સ્થાનિકોના વિરોધ અને હોબાળાને ધ્યાનમાં રાખીને પોલીસે શાંતિ જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો કર્યા હતા અને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી પૂર્ણ કરાવવામાં આવી હતી. AMCનું કહેવું છે કે તળાવની જમીન અને જાહેર મિલકત પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાનું અભિયાન આગળ પણ ચાલુ રહેશે. જોકે, બીજી તરફ અસરગ્રસ્ત લોકો હવે સરકાર તરફથી પુનર્વસન અને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થાની રાહ જોઈ રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel