સમાપ્ત થયેલા મેમાં ભારતીય શેરબજારમાં વેપાર પ્રવૃત્તિમાં ફરી વધારો જોવા મળ્યો છે. કેશ સેગમેન્ટનું સરેરાશ દૈનિક વેપાર ટર્નઓવર વધી રૂપિયા ૬૩૭૭૪ કરોડ સાથે આઠ મહિનાની ટોચે રહ્યું હતું. મે મહિનામાં કેશ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર સપ્ટેમ્બર, ૨૦૨૨ બાદ સૌથી ઊંચુ હતું. એપ્રિલની સરખામણીએ મેના ટર્નઓવરમાં ૧૬.૫૦ ટકા વધારો જોવા મળ્યો છે.
એનએસઈ તથા બીએસઈ પર ફ્યુચર્સ તથા ઓપ્શન્સ (એફએન્ડઓ) નું સંયુકત સરેરાશ દૈનિક ટર્નઓવર વધીને રૂપિયા ૨૫૨ લાખ કરોડની ઐતિહાસિક સપાટીએ રહ્યું હતું. એપ્રિલમાં આઆંક રૂપિયા ૨૪૨ લાખ કરોડ હતો એમ પ્રાપ્ત આંકડા જણાવે છે.
શેરના ઊંચા ભાવને કારણે પણ વોલ્યુમમાં વધારો જોવા મળી રહ્યો છે એમ એેક વિશ્લેષકે જણાવ્યું હતું. મેમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)ની ભારતીય શેરબજારોમાં રૂપિયા ૪૩૮૩૮ કરોડની ખરીદી રહી છે. છેલ્લા ત્રણ મહિનાનો ખરીદી આંક રૂપિયા ૭૦,૦૦૦ કરોડ રહ્યો છે.
બજારમાં સુધારા સાથે રિટેલ રોકાણકારો તથા હાઈ નેટવર્થ ઈન્ડીવિડયૂલ્સ તરફથી પણ રોકાણમાં વધારો થઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે.
દેશના શેરબજારોના બેન્ચમાર્ક ઈન્ડેકસ નિફટી૫૦ તથા સેન્સેકસ હાલમાં તેની ઓલટાઈમ હાઈ સપાટીની આસપાસ જોવા મળી રહ્યા છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતીય અર્થતંત્ર ઘણું જ મજબૂત હોવાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો શેરબજારોમાં નાણાં રોકી રહ્યા છે. એક-બે ક્ષેત્રોને બાદ કરતા માર્ચ ત્રિમાસિક ગાળાના કંપનીઓના પરિણામો પણ સંતોષકારક આવી રહ્યા છે.
બીજી બાજુ રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં સ્થિરતા રાખવાના નિર્ણયથી આગામી દિવસોમાં કંપનીઓના ખર્ચમાં ઘટાડો જોવા મળવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. શેરબજારમાં દૈનિક ટર્નઓવરમાં વધારો સ્ટોક બ્રોકર્સ માટે સારી સ્થિતિ દર્શાવે છે, એમ બજારના સુત્રોએ જણાવ્યું હતું.