મધ્ય-પૂર્વીય દેશ ઈરાનમાં કથળતી આર્થિક પરિસ્થિતિને લઈને શરૂ થયેલા વિરોધ પ્રદર્શન હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે. પ્રદર્શનકારીઓ અને સુરક્ષાબળો વચ્ચે થયેલા હિંસક સંઘર્ષોમાં ત્રીસથી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સી મુજબ કુલ 36 લોકોના જીવ ગયા છે, જેમાંથી બે સુરક્ષાકર્મીઓ અને બાકીના પ્રદર્શનકારીઓ હતા. જોકે, ઈરાનની સરકારે સત્તાવાર રીતે મૃતકોના આંકડા જાહેર કર્યા નથી અને માત્ર ત્રણ સુરક્ષાકર્મીઓના મોતની પુષ્ટિ કરી છે.
કેટલીક અન્ય રિપોર્ટ્સમાં આંકડો 25 જણાવવામાં આવ્યો છે, જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અને 2 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. અહેવાલો અનુસાર આ પ્રદર્શનો ઈરાનના કુલ 31 પ્રાંતોમાંથી 27 પ્રાંતોમાં ફેલાઈ ચૂક્યા છે. ખાસ કરીને પાટનગર તહેરાનમાં સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની છે, જ્યાં સુરક્ષાબળોએ પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા ટિયરગેસના સેલ છોડ્યા હતા. આ વિરોધ પ્રદર્શન 28 ડિસેમ્બરના રોજ શરૂ થયા હતા, જ્યારે તહેરાનમાં કેટલાક વેપારીઓએ રસ્તા પર ઉતરીને આર્થિક સંકટ સામે અવાજ ઉઠાવ્યો હતો. બાદમાં સામાન્ય નાગરિકો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આ આંદોલનમાં જોડાઈ ગયા.
લોકોનો ગુસ્સો દેશની બગડતી આર્થિક સ્થિતિ, વ્યાપક ભ્રષ્ટાચાર અને પ્રશાસનિક અવ્યવસ્થાને લઈને છે. અમેરિકા સહિત પશ્ચિમી દેશો દ્વારા ઈરાનના ન્યુક્લિયર કાર્યક્રમને કારણે લાદવામાં આવેલા નિયંત્રણોના પરિણામે ફુગાવો લગભગ 40 ટકા સુધી પહોંચ્યો છે, જેના કારણે જનજીવન પર ભારે અસર પડી છે. બીજી તરફ, સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખામેનેઈના નેતૃત્વ હેઠળનું પ્રશાસન હાલ કોઈ સમાધાનના મૂડમાં દેખાતું નથી અને પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી કરવા સુરક્ષાબળોને આદેશ આપવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ પગલાંઓને કારણે આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ બગડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel