વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ અને અમેરિકાની વધતી આક્રમક વિદેશ નીતિના સંદર્ભમાં જાણીતા જિયોપોલિટિકલ એક્સપર્ટ ઇયાન બ્રેમરે સમગ્ર ઘટનાક્રમ પર શંકા વ્યક્ત કરી છે. વાતચીતમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સરખામણી કરતા કહ્યું કે ટ્રમ્પ ભલે હાલ સત્તામાં હોય, પરંતુ તેમની લોકપ્રિયતા ભારતના પીએમ મોદીની સરખામણીમાં ઘણી ઓછી છે અને તેથી તેમના નિર્ણયોની લાંબા ગાળાની અસર અંગે પ્રશ્નચિહ્ન છે.
બ્રેમરે સમજાવ્યું કે અમેરિકામાં દર ચાર વર્ષે સત્તા બદલાવાની સંભાવના રહે છે, જ્યારે ભારત, ચીન અને રશિયા જેવા દેશોમાં નેતૃત્વમાં સાતત્ય જોવા મળે છે. તેમના કહેવા મુજબ, અમેરિકી રાજકીય વ્યવસ્થામાં એક રાષ્ટ્રપતિના ઘણા નિર્ણયો આગામી રાષ્ટ્રપતિ દ્વારા બદલાઈ શકે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે ટ્રમ્પના અનેક નિર્ણયોને ઉથલાવી શકાય છે, જેમ તેમણે પોતે અગાઉના રાષ્ટ્રપતિની નીતિઓને રદ કરી હતી.
બ્રેમરે ઉમેર્યું કે પીએમ મોદીએ લોકશાહી માળખામાં રહીને દસ વર્ષથી વધુ સમય સુધી દેશનું નેતૃત્વ કર્યું છે અને તેમની લોકપ્રિયતા ઘણી મજબૂત છે, જ્યારે ટ્રમ્પની લોકપ્રિયતા એટલી વ્યાપક નથી. ઉપરાંત, ટ્રમ્પ 80 વર્ષના છે અને અમેરિકાના બંધારણ મુજબ તેઓ બે જ ટર્મ સુધી રાષ્ટ્રપતિ રહી શકે છે, એટલે તેમના કાર્યકાળમાં હવે માત્ર ત્રણ વર્ષ બાકી છે. આ કારણે માદુરોની ધરપકડ અને તેના આધારે અમેરિકાની રણનીતિક સફળતા અંગે ઉતાવળભર્યા તારણો કાઢવા યોગ્ય નથી, એવું બ્રેમર માને છે.
વેનેઝુએલાના તેલ સંસાધનો પર વાત કરતા તેમણે જણાવ્યું કે હાલમાં દેશ દરરોજ આશરે 8 લાખ બેરલ તેલનું ઉત્પાદન કરે છે, જ્યારે એક સમય એવો હતો કે ઉત્પાદન 30 લાખ બેરલ પ્રતિદિન સુધી પહોંચતું હતું. ઉત્પાદન વધારવા માટે રાજકીય સ્થિરતા અત્યંત જરૂરી હોવાનું તેમણે કહ્યું. બ્રેમરનું માનવું છે કે ટ્રમ્પ પ્રશાસન વેનેઝુએલાના તેલ ભંડારો પર નિયંત્રણ મેળવવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ આંતરરાષ્ટ્રીય તેલ કંપનીઓ ત્યારે જ મોટાપાયે રોકાણ કરશે જ્યારે તેમને વિશ્વાસ થશે કે ટ્રમ્પ પછી આવનારી સરકાર પણ આ જ નીતિઓ ચાલુ રાખશે અને તેમના હિતોને લાંબા ગાળે સુરક્ષા મળશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel