સુરત શહેરની ઓળખમાં હવે વધુ એક વધારો થવા જઈ રહ્યો છે. સુરતમાં હવે મેટ્રો રેલ જોવા મળવાની છે, ત્યારે મેટ્રોનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે.જમીનથી અંદર સુરતમાં મેટ્રો ટ્રેન દોડાવવા બે કોરીડોર બનાવવામાં આવશે. જેમાં એક કોરીડોર ડીસેમ્બર 2023 સુધીમાં ચાલુ કરી દેવામાં આવશે.
મેટ્રો રેલ પ્રોજેક્ટમાં બે કોરીડોર બનાવવામાં આવશે જેને લઇ અત્યારે અન્ડર ગ્રાઉન્ડ ટનલના કામ પૂર્ણતાના આરે આવ્યા છે.પહેલો કોરીડોર સરથાણાથી ડ્રીમ સિટી અને ભેંસાણથી સારોલીને જોડતા બે રૂટ પર કોરીડોર બનાવવામાં આવશે. સુરત મેટ્રો રેલના કુલ 40.35 કિમી રૂટમાંથી સરથાણાને ડ્રીમ સિટી સાથે જોડવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે સરથાણાને ડ્રીમ સિટી સાથે જોડવાના 21.61 કિમીના કામે વેગ પકડ્યો છે.
સરથાણાથી ડ્રીમ સિટી સુધીના રૂટને ડાયમંડ કોરિડોર તરીકે જ્યારે ભેંસાણથી સારોલી રૂટને ટેક્સટાઇલ કોરિડોર તરીકે ઓળખ આપવામાં આવશે. સરથાણાથી કાપોદ્રા લાભેશ્વર ચોક, લંબે હનુમાન રોડથી સુરત રેલવે સ્ટેશન થઈને હાઈવે થઈને, મજુરાગેટથી અલથાણ ગામ થઈને ડ્રીમ સિટી સુધી મેટ્રો દોડાવવામાં આવશે.
મેટ્રોના બીજા તબક્કામાં ભેંસાણથી સારોલીને જોડતા કોરીડોર 18.84 કિમીનો રૂટ વિકસાવવામાં આવશે. આ માર્ગ પર ઉધના દરવાજાથી આગળ કમેલા દરવાજા, આજણા ફાર્મ, મોડલ ટાઉન અને મગોબ એક્સ્ટેંશનના ઘણા ટેક્સટાઇલ માર્કેટ આવેલા છે. આ કોરિડોર નંબર 2 એટલે કે ભેસાણથી સારોલી રૂટના ટેક્સટાઇલ કોરિડોર તરીકે ઓળખાશે.
મહત્વની બાબત એ છે કે અંડરગ્રાઉન્ડ રૂટ માટે જીએમઆરસી દ્વારા ટનલ બોરિંગ મશીનની મદદ લેવાઈ હતી. ગુલેમાર્ક એજન્સી દ્વારા કાપોદ્રાથી લાભેશ્વર ચોક સુધી(1.2 કિ.મી) માટેની ટનલ બનાવવા માટે એક ટીબીએમ મશીન સપ્ટેમ્બર માસમાં ઉતારી દીધું હતું. હવે બીજા ટ્રેક માટે આ ટનલની બાજુમાં અન્ય ટનલ માટે બીજુ ટીબીએમ મશીન પણ ઉતારી દીધું. એન્જિનિયરોએ જણાવ્યું હતું કે માર્ચ 2025 સુધીમાં બંને કોરિડોર શરૂ કરવામાં આવશે પરંતુ સરથાણાથી ડ્રીમ સિટી નો કોરિડોર ડિસેમ્બર 2023 સુધીમાં શરૂ કરાશે.