Skip to content
રવિવાર, નવેમ્બર 22, 2026 Ahmedabad 27°C

વિશ્વ રેડિયો દિવસ 2026 : અમરેલીના 80 વર્ષીય ‘રેડિયો મેન’ સુલેમાન દલનો અનોખો સંગ્રહ

વિશ્વ રેડિયો દિવસ 2026 : અમરેલીના 80 વર્ષીય ‘રેડિયો મેન’ સુલેમાન દલનો અનોખો સંગ્રહ

આજે 13મી ફેબ્રુઆરીએ વિશ્વભરમાં ‘વિશ્વ રેડિયો દિવસ’ ઉજવવામાં આવી રહ્યો છે. સ્માર્ટફોન અને ઈન્ટરનેટના યુગમાં મનોરંજનના સાધનો બદલાયા હોવા છતાં રેડિયોનું મહત્વ આજે પણ અડગ છે. ગુજરાતના અમરેલી જિલ્લાના ચલાળા ગામમાં રહેતા 80 વર્ષીય નિવૃત્ત શિક્ષક સુલેમાન દલ રેડિયો પ્રત્યેના પોતાના અનોખા પ્રેમ માટે ચર્ચામાં છે. ‘રેડિયો મેન’ તરીકે ઓળખાતા સુલેમાનભાઈ પાસે લગભગ 400 જેટલા દુર્લભ રેડિયોની અનોખી કલેક્શન છે, જે રેડિયો ઇતિહાસને જીવંત રાખે છે.

ઘર નહીં પરંતુ ‘રેડિયો મ્યુઝિયમ’ જેવી અનુભૂતિ

સુલેમાન દલના ઘરમાં પ્રવેશતા જ જાણે સમય પાછળ ચાલી ગયો હોય તેવી લાગણી થાય છે. ઘરના દરેક ખૂણામાં વિવિધ પ્રકારના રેડિયો નજરે પડે છે. તેમના સંગ્રહમાં 172 વાલ્વવાળા અને 222 ટ્રાન્ઝિસ્ટર રેડિયો સહિત કુલ 400 રેડિયો છે. ખાસ વાત એ છે કે આ બધા જ રેડિયો આજે પણ કાર્યરત છે.

સુલેમાનભાઈ માત્ર સંગ્રહ કરતા નથી, પરંતુ જૂના અને ભંગાર હાલતમાં મળેલા રેડિયોને જાતે રિપેર કરીને ફરી કાર્યક્ષમ બનાવે છે. મુંબઈની ચોર બજાર કે અલંગમાંથી મળેલા જૂના રેડિયોને તેઓ નવી જિંદગી આપે છે.

શોખથી સાધના સુધીની પ્રેરણાદાયી સફર

સુલેમાન દલનો રેડિયો પ્રત્યેનો પ્રેમ વર્ષ 1964માં શરૂ થયો હતો, જ્યારે તેઓ અમરેલીમાં ટેકનિકલ અભ્યાસ માટે ગયા હતા. ઈલેક્ટ્રોનિક્સ પ્રત્યેનો રસ અને રેડિયો વેચાણની દુકાન સાથેનો સંપર્ક તેમને આ શોખ તરફ ખેંચી ગયો. નિવૃત્તિ બાદ વર્ષ 2000થી તેમણે સંગ્રહ શરૂ કર્યો અને આજે તેમની પાસે દેશ-વિદેશની વિવિધ કંપનીઓના દુર્લભ અને ઐતિહાસિક રેડિયો ઉપલબ્ધ છે.

વિશ્વ રેડિયો દિવસનો ઇતિહાસ અને મહત્વ

દર વર્ષે 13મી ફેબ્રુઆરીએ વિશ્વભરમાં ‘વિશ્વ રેડિયો દિવસ’ ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા વર્ષ 2012માં પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ડિજિટલ યુગ હોવા છતાં રેડિયો હજુ પણ વિશ્વસનીય માહિતી અને મનોરંજનનું મહત્વપૂર્ણ માધ્યમ છે.

ભારતમાં રેડિયોનો વિકાસ: આકાશવાણી સુધીનો પ્રવાસ

ભારતમાં રેડિયો પ્રસારણનો ઈતિહાસ વર્ષ 1923માં ‘રેડિયો ક્લબ ઓફ બોમ્બે’થી શરૂ થયો હતો. બાદમાં ‘કલકત્તા રેડિયો ક્લબ’ની સ્થાપના થઈ. વર્ષ 1935માં એમ.બી. ગોપાલાસ્વામીએ ખાનગી રેડિયો સ્ટેશન શરૂ કર્યું, જે પછી 8 જૂન 1936ના રોજ તમામ પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરીને ‘ઑલ ઇન્ડિયા રેડિયો’ની સ્થાપના કરવામાં આવી. વર્ષ 1956માં ‘ઑલ ઇન્ડિયા રેડિયો’નું નામ ‘આકાશવાણી’ રાખવામાં આવ્યું.

ગુજરાતમાં 1939માં તત્કાલીન બરોડા રાજ્યમાં પ્રથમ રેડિયો સ્ટેશન શરૂ થયું હતું અને 1949માં અમદાવાદમાં રેડિયો સ્ટેશન શરૂ થયું.

રેડિયો પ્રેમે આપ્યું ‘રેડિયો મેન’નું બિરુદ

સુલેમાન દલનો અનોખો સંગ્રહ અને રેડિયો પ્રત્યેની લગન માત્ર શોખ નહીં પરંતુ એક સાધના બની ગઈ છે. આજના ડિજિટલ યુગમાં પણ તેઓ રેડિયો પ્રત્યેનો પ્રેમ જીવંત રાખીને નવી પેઢીને પ્રેરણા આપી રહ્યા છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Amreli Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.