મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી છે, જ્યારે ઉગ્રવાદીઓ સાથે ગોળીબારમાં બીએસએફના એક સહિત આસામ રાઇફલના ત્રણ જવાનો શહીદ થયા છે. જાણકારી અનુસાર બીએસએફના શહીદ જવાનનું નામ રંજીત યાદવ છે. મણિપુરમાં અનેક જિલ્લામાં કરફ્યુ વચ્ચે સોમવારે રાત્રે ફરી હિંસા ભડકી ઉઠી હતી. અને ઉગ્રવાદીઓ દ્વારા ગોળીબાર પણ થયો હતો જેમાં ત્રણ જવાનો ઘાયલ થતા હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. હિંસાને ધ્યાનમાં રાખીને સરકારે ઇન્ટરનેટ પર પ્રતિબંધને ૧૦ જૂન સુધી લંબાવી દીધો છે.
સુગનૂ-સેરૌ વિસ્તારમાં પાંચથી છ જૂનની રાત્રે આસામ રાઇફલ, બીએસએફ અને સ્થાનિક પોલીસ દ્વારા મળીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન સુરક્ષાદળોની જાણકારી મળી જતા ઉગ્રવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં બીએસએફનો એક જવાન ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. અને આસામ રાઇફલના બે જવાનને પણ ગોળી વાગી હતી. ત્રણેય જવાનોને સારવાર માટે મંત્રીપુખરીના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કુકી ઉગ્રવાદીઓ દ્વારા આ ગોળીબાર થયો હોવાના અહેવાલો છે.
ઉગ્રવાદીઓ સાથેના ઘર્ષણ દરમિયાન મોટા પ્રમાણમાં યુદ્ધ સામગ્રીઓ અને હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં શાંતિ વ્યવસ્થા જાળવવા માટે સૈન્ય અને આસામ રાઇફલના ૧૦,૦૦૦ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પહાડી વિસ્તારોમાં રહેતા કુકી સમુદાય દ્વારા હાલ ઉગ્ર વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. મેઇતી સમુદાયના લોકોને આદિવાસીનો દરજ્જો આપવાના વિરોધમાં એક મહિનાથી મણિપુરમાં હિંસા અને વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. હિંસામાં અત્યાર સુધીમાં ૧૦૦ જેટલા લોકો માર્યા ગયા છે જ્યારે ૩૧૦થી વધુ ઘાયલ થયા છે. ૪૦ હજાર જેટલા લોકોને રાહત કેમ્પોમાં રાખવામાં આવ્યા છે. સૌથી પહેલા ત્રણ મેના રોજ હિંસા ફાટી નીકળી હતી.
મણિપુરમાં જે મેઇતી સમાજને આદિવાસી સમાજનો દરજ્જો આપવામાં આવી રહ્યો છે તેઓની વસતી કુલ વસતીના ૫૩ ટકા છે જેની સામે હાલ આ દરજ્જાનો વિરોધ કરી રહેલા નાગા અને કુકી સમુદાયની વસતી કુલ વસતીના ૪૦ ટકા છે. બન્ને સમુદાયના લોકો વચ્ચે એક મહિનાથી હિંસા ચાલી રહી છે. જેને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ પ્રયાસો થઇ રહ્યા છે.