Una તાલુકાના ભેભા ગામેથી એક ચકચારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘરેલું કંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પતિએ પોતાની જ પત્નીની નિર્મમ હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીને જાગૃત ગ્રામજનોએ પકડી પાડ્યો અને ઝાડ સાથે બાંધી પોલીસને હવાલે કર્યો હતો.
ગળાના ભાગે ધારદાર હથિયારના ઘા
મળતી માહિતી અનુસાર, ભેભા ગામે રહેતા દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘરેલું બાબતોને લઈને મતભેદ અને ઝઘડા ચાલતા હતા. આજે આ કંકાસ વધુ ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા પતિએ ધારદાર હથિયાર વડે પત્નીના ગળાના ભાગે જીવલેણ ઘા ઝીંક્યા હતા. હુમલો એટલો ગંભીર હતો કે મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ભાગતા આરોપીને ગ્રામજનોએ ઝડપી લીધો
હત્યા કર્યા બાદ આરોપી પતિ નાસી છૂટવાની કોશિશમાં હતો, પરંતુ ગામના લોકોએ તાત્કાલિક એકતા દાખવી તેને પકડી લીધો. રોષે ભરાયેલા ગ્રામજનોએ દોરડા વડે આરોપીને ગામની વચ્ચે ઝાડ સાથે બાંધી દીધો અને પોલીસને જાણ કરી.
પોલીસ કાર્યવાહી શરૂ
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ભેભા ગામે દોડી આવ્યો હતો. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ તેની સામે હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસે હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાને પગલે ભેભા ગામ સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel