કેન્દ્ર અને રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા બનાવેલી નીતિને ધ્યાને લઇ અમદાવાદમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે. શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે તે માટે શહેરમાં નવી નીતિ તૈયાર કરવામાં આવેલી છે.
ભારત સરકારની નીતિ અંતર્ગત શહેરમાં ઈલેક્ટ્રિક વાહનને માળખાકીય સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થાની નીતિ તૈયાર કરવામાં આવી છે. જે અંતર્ગત જુલાઇ 2023ના અંત સુધીમાં અમદાવાદમાં 12 ઇવી ચાર્જિંગ સ્ટેશન શરુ થઇ જશે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ શહેરના વિવિધ 24 સ્થળ પર ચાર્જિંગ સ્ટેશન માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. ત્યારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડેલ હેઠળ આ કામગીરીને લીલીઝંડી આપવામાં આવી હતી. હવે અમદાવાદ શહેરમાં જુલાઇના અંત સુધીમાં 12 ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન શરુ થશે. આ ચાર્જિંગ સ્ટેશન પર 30થી 40 મિનિટમાં વાહનનું સંપૂર્ણ ચાર્જિંગ થશે.
અમદાવાદ શહેરમાં ઇન્કમ ટેક્સ, કાંકરિયા, સિંધુ ભવન, પ્રહલાદનગર, મોટેરા, નરોડા , બાપુનગર, ચાંદખેડા, નિકોલમાં ચાર્જિંગ સ્ટેશન જુલાઇના અંત સુધીમાં બનીને તૈયાર થઇ જશે.
ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે AMC વીજ કનેક્શન અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ મેળવવા માટે NOCની મદદ કરશે. ત્રણ વર્ષ માટે ચાર્જિંગ સ્ટેશનના પ્રોપર્ટી અને અન્ય ટેક્સમાંથી મુકિત આપશે. ઇલેક્ટ્રીક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન AMCની જગ્યામાં ભાડે લેવામાં આવી હશે, તો ત્રણ વર્ષ બાદ 10 ટકા રેવન્યુ શેરીંગ AMCને કરવાનું રહેશે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં અત્યાર સુધીમાં 22 હજાર ઇલેક્ટ્રિક ટુ વ્હીલર,1200 ફોર વ્હીલર અને 5 હજાર જેટલા થ્રી વ્હિલરનું વેચાણ થયુ છે. ત્યારે હવે આ લોકો ચાર્જિંગ સ્ટેશન પર પોતાના ઇ વ્હિકલ ચાર્જ કરાવી શકશે. ચાર્જિંગ સ્ટેશન પર લોકોને વધુ રાહ ન જોવી પડે તે માટે એપ્લિકેશન દ્વારા સ્લોટ બૂક કરવાની સુવિધા પણ પુરી પડાશે.