અહીં મળી રહેલી ‘બ્રિક્સ’ દેશોના વિદેશ મંત્રીઓની પરિષદમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ઈશારા-ઈશારામાં રાહુલ ગાંધી ઉપર નિશાન તાક્યું હતું. આ પરિષદની એક બેઠક પછી પત્રકારો સાથે કરેલી વાતચીતમાં તેઓએ કહ્યું હતું કે, જ્યારે કોઈ વ્યક્તિ દેશ બહાર જાય છે, ત્યારે ઘણી વાર રાજકારણથી પણ મોટી મોટી બાબતોની ચર્ચા થાય છે ત્યારે પોતાનાં (વિદેશ નીતિ વિષેનાં) મંતવ્યો રજૂ કરી શકે પરંતુ વિદેશ યાત્રા દરમિયાન (દેશમાં ચાલતાં) રાજકારણ વિષે બોલી જ શકાય નહીં.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ અમેરિકામાં મોદી સરકારની ઉગ્ર ટીકા કરી હતી. આ સપ્તાહના પ્રારંભમાં અમેરિકાના ‘સાન્તા ક્વેરી”માં ભારતવંશના અમેરિકનોને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીની ટીકા કરી હતી, અને વિભિન્ન મોર્ચા ઉપર સરકારની નીતિઓની પણ ટીકા કરી હતી.
આ અંગે જયશંકરે કેપટાઉનમાં વધુમાં કહ્યું હતું કે, ‘હું સ્વદેશમાં ચર્ચા કરવા પૂરી તાકાતથી દરેક રીતે તૈયાર રહું છું. પરંતુ મને લાગે છે કે લોકશાહીમાં એક નિશ્ચિત સામુહિક જવાબદારી હોય છે, રાષ્ટ્રીય હિત હોય છે. સામુહિક છબી હોય છે. ઘણી વાર રાજકારણથી પણ ઘમી મોટી ચીજો હોય છે, અને જ્યારે તમો પોતાના દેશની બહાર પગ મુકો ત્યારે આ યાદ રાખવું ઘણું જ મહત્વનું છે. હું વિદેશ જઈ (દેશનાં) રાજકારણની વાત નથી કરતો.’