ભારતની નવી સંસદમાં રજૂ કરાયેલા અખંડ ભારતના નકશાને લઈને નેપાળમાં થઈ રહેલા વિરોધ પર ખુદ નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડે પાણી ફેરવી દીધુ છે.
નેપાળના પીએમ પ્રચંડે બુધવારે નેપાળની સંસદમાં નિવેદન આપતા કહ્યુ હતુ કે, મેં ભારતની યાત્રા દરમિયાન નકશાના મુદ્દાને ઉઠાવ્યો હતો અને ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે, આ એક સાંસ્કૃતિક નકશો છે, નહીં કે રાજકીય.
સંસદમાં વિપક્ષી સાંસદોએ નકશાનો મુદ્દો ઉઠાવીને હોબાળો શરુ કર્યો હતો અને તેનો જવાબ આપતા પ્રચંડે કહ્યુ હતુ કે, મેં પીએમ મોદી સાથેની બેઠક દરમિયાન જ આ વાત છેડી હતી અને ખુદ પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આ નકશો સાંસ્કૃતિક છે અને ભીંત ચિત્ર સ્વરુપે દર્શાવાયેલો નકશો સમ્રાટ અશોકનુ સામ્રાજ્ય કયાં સુધી ફેલાયેલ છે તે દર્શાવે છે.
નેપાળમાં આ નકશાને લઈને વિરોધ પક્ષોએ વિરોધ શરુ કર્યો હતો અને એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, વિરોધ પક્ષોની ખંધા ચીને કાન ભંભેરણી કરી હતી.નેપાળના સાંસદોનુ કહેવુ હતુ કે નકશામાં નેપાળના વિસ્તારોને ભારતે પોતાના ગણાવ્યા છે. જોકે ચીને આગ લગાડવાની કરેલા કોશિશો પર ખુદ નેપાળના વડાપ્રધાન પ્રંચડે જ પાણી નાંખી દીધુ છે.