છઠ્ઠી જુનથી અહીં શરૂ થયેલી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની ત્રણ દિવસની બેઠકના અંતે એમપીસી આવતીકાલે રેપો રેટમાં સતત બીજી વખત સ્થિરતા જાળવી રાખશે તેવી શકયતા જોવાઈ રહી છે. એપ્રિલની બેઠકમાં પણ રેપો રેટ જાળવી રખાયો હતો.
રિટેલ ફુગાવો હાલમાં ઘટી ૪.૭૦ ટકા સાથે ૧૮ મહિનાની નીચી સપાટીએ આવી ગયો છે અને તેમાં વધુ ઘટાડો થવાની શકયતા રહેલી છે એ હકીકતને ધ્યાનમાં રાખી એમપીસી ૬.૫૦ ટકા રેપો રેટ યથાવત રાખશે.
ગયા નાણાં વર્ષનો આર્થિક વિકાસ દર ૭.૨૦ ટકા સાથે અપેક્ષા કરતા વધુ જોવા મળ્યો છે. ઊંચા વ્યાજ દર વચ્ચે પણ વિકાસ દર ઊંચો રહેતા રિઝર્વ બેન્ક હાલમાં રેપો રેટમાં ફેરબદલ કરવાની કોઈ ઉતાવળમાં નથી એમ એક બેન્કરે જણાવ્યું હતું. દેશમાં ધિરાણ ઉપાડ પણ સાનુકૂળ સ્તરે છે.
વર્તમાન વર્ષના ચોમાસામાં અલ નિનોની કૃષિ ક્ષેત્ર પર કેવી અસર પડે છે, તેના પર પણ એમપીસીની નજર રહેશે. ઘરઆંગણે સ્થિર વિકાસ અને ફુગાવામાં ઘટાડા વચ્ચે રિઝર્વ બેન્કની નજર હાલમાં વૈશ્વિક ઘટનાક્રમો પર પણ રહેલી છે એમ એક અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું.
ગયા નાણાં વર્ષમાં રેપો રેટ ૨૫૦ બેઝિસ પોઈન્ટ વધારી તેને ૬.૫૦ ટકા લઈ જવાયો છે. દેશમાં ફુગાવાને નિયંત્રણમાં લેવા રેપો રેટમાં સતત વધારો કરવાની ફરજ પડી હતી, જેવા પરિણામો જોવા મળી રહ્યા છે.
ફુગાવાને ચાર ટકાના ટાર્ગેટ સુધી લાવવા પર એમપીસીએ છેલ્લા એક વર્ષમાં નાણાં નીતિને પૂરતી માત્રામાં સખત બનાવી છે, માટે હાલની બેઠકમાં વ્યાજ દરમાં સ્થિરતા રાખવાનું વધુ પસંદ કરાશે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.