ભારતીય મૂળના લોકો પીએમ મોદીની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. અમેરિકામાં શીખ સમુદાયના એક મોટા ગજાના નેતા તથા શીખ ઓફ અમેરિકા સંગઠનના ચેરમેન જસ્સી સિંહે પીએમ મોદીની મુલાકાત પહેલા કહ્યુ છે કે, અમેરિકામાં રહેતા શીખોની જે પણ માંગણીઓ છે તે પીએમ મોદીએ પૂરી કરી છે.
પીએમ મોદી અમેરિકા આવી રહ્યા છે અને આ એક ઐતહાસિક પળ છે. જ્યારે પણ શીખોના પ્રતિનિધિ મંડળે પીએમ મોદી સમક્ષ પોતાની માંગણીઓ મૂકી છે ત્યારે દર વખતે પીએમ મોદીએ આ માંગણીઓ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે.આ વખતે પણ શીખોનુ પ્રતિનિધિ મંડળ પીએમ મોદીને મળશે અને તેમનો આભાર માનશે.
જસ્સી સિંહે કહ્યુ હતુ કે, પીએમ મોદી શીખોની સમસ્યાઓને સમજે છે અને તેઓ સાચા દિલથી શીખ સમુદાયને ચાહે છે. તેઓ જ્યારે પણ શીખ સમુદાયના લોકોને મળે છે ત્યારે તેમનો પ્રેમ દેખાઈ આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પીએમ મોદીએ શીખ સમુદાય માટે જેટલુ કર્યુ છે તેટલુ કોઈ બીજા ભારતીય વડાપ્રધાને કર્યુ નથી.
જસ્સી સિંહે સાથે સાથે પીએમ મોદીએ શીખોની જે જે માંગણીઓ પૂરી કરી છે તેની પણ જાણકારી આપી હતી અને કહ્યુ હતુ કે, 26 ડિસેમ્બરની બાલ દિવસ તરીકે ઉજવણી કરવાની, ગુરુ નાનક દેવજીના 550મા પ્રકાશ પર્વને મનાવવાની, 1984ના તોફાનો માટે ખાસ તપાસ ટીમ બનાવવાની, વિદેશોમાં રહેતા સંખ્યાબંધ સિખોને બ્લેક લિસ્ટમાંથી હટાવવાની કે પછી નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની એમ તમામ માંગણીઓ તેમણે પૂરી કરી છે.