યુવાનવયે હૃદયરોગથી મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું હોવાનો વધુ એક બનાવ સુરતમાં નોંધાયો હતો. ખટોદરા વિસ્તારમાં આવેલી એક જ સોસાયટીમાં બે યુવાનોના હાર્ટએટેકથી મોત થયાં હતાં. 18 વર્ષના કમલેશ અને 45 વર્ષના નફીસખાને પણ હૃદયરોગના હુમલામાં જીવ ગુમાવતાં સોસાયટીમાં માતમ છવાઈ ગયો હતો.
છેલ્લા થોડા સમયથી હાર્ટએટેકના કારણે મોત થવાની સંખ્યામાં ચોંકાવનારી હદે વધારો થઈ રહ્યો છે. ક્રિકેટ રમતા, બાઈક ઉપર જતી વખતે, કસરત કરતી વખતે, ચાલતા ચાલતા જતી વખતે, બર્થ ડે પાર્ટીમાં નાચતી વખતે કે મિત્રો સાથે બેઠા હોય ત્યારે હૃદયરોગનો હુમલો આવ્યો હોય અને તેમાં મોત થયા હોય તેવી સંખ્યાબંધ ઘટનાઓ નોંધાઈ ચૂકી છે ત્યારે સુરતમાં ગુરુવારે ખટોદરા વિસ્તારમાં ખોડિયારનગર સોસાયટીમાં 18 વર્ષના યુવક અને 45 વર્ષીય રિક્ષાચાલકનું લગભગ થોડા સમયના ગાળામાં એક જ દિવસે મોત નીપજ્યું હતું.
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે ખોડિયારનગરમાં રહેતા 45 વર્ષીય નફીસખાનનું હાર્ટએટેકથી મોત થયું હતું. આ જ સોસાયટીમાં રહેતો એક 18 વર્ષના યુવક કમલેશનું મોત પણ હાર્ટએટેકના કારણે જ થયુ હોવાની આશંકા છે. રિક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરતા નફીસખાનને ગઈકાલે છાતીમાં અને ગળાના ભાગમાં દુખાવો થતો હોવાની ફરિયાદ હતી. તેના સંબંધી સમસાદખાને જણાવ્યું કે, ગઈકાલે નફીસભાઈનો ફોન આવ્યો હતો. તેણે છાતીમાં દુઃખાવા અને ગળામાં દુઃખાવાની વાત કરી હતી. મેં તેને ફોન પર કહ્યું હતું કે તમે દવા લઈ લેજો. ત્યારબાદ તેઓ રાતે ઘરે પહોંચ્યા હતા અને મારી સાથે ફરી ફોન પર ફરી વાત કરી હતી તેમાં તેમની તબિયત સારી ન હોવાનું પાછું જણાવ્યું હતું. રાત્રે જમ્યા પછી 12 વાગ્યા સુધી મોબાઈલ જોતા હતા. સવારે તેમને ઘર માલિક ઉઠાડવા જતા તેઓ ઉઠ્યા જ ન હતા. સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ સોસાયટીમાં જ રહેતા 18 વર્ષીય યુવાન કમલેશને તો કોઈપણ પ્રકારની ફરિયાદ જ નહતી. તેનું તો અચાનક મોત નીપજતા સમગ્ર સોસાયટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેના પણ મોત પાછળ હાર્ટએટેક જ કારણ હોય તેવું તબીબો માની રહ્યાં છે. તેના પણ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તેના પરિવારજનો નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતાં.
બંનેના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા હતાં. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ જાણવા મળશે, પરંતુ હાલ હાર્ટએટેકના કારણે જ મોત થયાની શંકા વ્યક્ત કરાઈ રહી છે.